મધ્ય ગુજરાત ઝોનની એફઆરસીમાં પાંચમાંથી ત્રણ સભ્યોની જગ્યા ખાલી
વડોદરાઃ ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતી મધ્ય ગુજરાત ઝોનની એફઆરસી( ફી રેગ્યુલેશન કમિટિ)ના પાંચમાંથી ત્રણ સભ્યોની જગ્યા છેલ્લા બે મહિનાથી ખાલી હોવાની વિગતો સપાટી પર આવી છે.આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં સ્કૂલોની ફી નક્કી કરવાની કાર્યવાહી પર ગંભીર અસર પડવાની શક્યતા છે.
૨૦૧૭માં સરકારના શિક્ષણ વિભાગે ખાનગી સ્કૂલોની ફીનુ નિયમન કરવા માટે ગુજરાતમાં ઝોન વાઈસ એફઆરસીની રચના કરી હતી.મધ્ય ગુજરાત ઝોનની એફઆરસીના કાર્યક્ષેત્રમાં વડોદરા ઉપરાંત દાહોદ, પંચમહાલ, મહિસાગર, ખેડા, આણંદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.
મધ્ય ગુજરાતની એફઆરસીમાં મુકાયેલા શિક્ષણવિદ્, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સંચાલક મંડળના પ્રતિનિધિની મુદત સપ્ટેમ્બર મહિનામાં પૂરી થઈ ગઈ હતી.બે મહિના થઈ ગયા પણ સરકારના શિક્ષણ વિભાગે આ ત્રણ જગ્યાઓ પર નિમણૂંક કરી નથી.શિક્ષણ વિભાગ દ્વારા એફઆરસી પ્રત્યે અપનાવાઈ રહેલા ઉપેક્ષિત વલણને લઈને તરેહ તરેહની ચર્ચાઓ શરુ થઈ છે.હાલમાં મધ્ય ગુજરાત એફઆરસીમાં ચેરમેન અને અન્ય એક સભ્ય એમ બે જ જગ્યાઓ ભરાયેલી છે.સૂત્રોનુ કહેવુ છે કે, એફઆરસીના સભ્યોની મુદત ત્રણ વર્ષ માટે હોય છે અને ત્રણ વર્ષ પછી ફરી નિમણૂંક કરવામાં આવતી હોય છે.૨૦૨૩-૨૪ સુધીની ફી નક્કી રવા માટેની તમામ દરખાસ્તો પર નિર્ણય લેવાઈ ગયો હોવાથી હાલમાં મધ્ય ગુજરાતમાં કોઈ સ્કૂલની દરખાસ્ત પેન્ડિંગ નથી પણ આ જગ્યાઓ ના ભરાય તો નજીકના ભવિષ્યમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.