છાણીના ATM માં સગીરની નજર ચૂકવી ડેબિટ કાર્ડ બદલી ગઠિયાએ 3.35 લાખ ઉપાડી લીધા
વડોદરાઃ છાણીના એટીએમમાંથી રૃપિયા ઉપાડનાર સગીરની નજર ચૂકવી કાર્ડ બદલી જનાર ગઠિયાએ ત્રણ દિવસમાં જ જુદીજુદી જગ્યાએથી રૃ.૩.૩૫ લાખ ઉપાડી લેતાં મહિલાએ છાણી પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પછી ફરિયાદ કરી છે.
છાણીમાં રહેતા નિલમબેને પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૫-૮-૨૨ના રોજ દૂધવાળાને રોકડા રૃપિયા ચૂકવવાના હોવાથી મેં મારા સગીર પુત્રને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું ડેબિટ કાર્ડ લઇ રામાકાકાની દેરી પાસે આવેલા આઇસીઆઇસીઆઇના એટીએમ પર મોકલ્યો હતો અને થોડી વારમાં તે રૃ.૧૦ હજાર ઉપાડીને ઘેર આવ્યો હતો.
ત્યારબાદ તા.૮મીએ પરોઢિયે ચાર વાગે મને બેન્કના નામે ફોન આવ્યો હતો અને તમારા ખાતામાં ટ્રાન્ઝેક્શનો કોણ કરે છે તેમ પૂછતાં મેં ઇનકાર કર્યો હતો.
મહિલાએ કહ્યું છે કે,બીજે દિવસે અમે બેન્કમાં જઇ જાણ કરી હતી.જે દરમિયાન અમારા ખાતામાંથી આણંદ,અમદવાદ અને જયપુર જેવા સ્થળોએથી કુલ રૃ.૩.૩૫ લાખ ઉપડી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.મારૃં એટીએમ કાર્ડ તપાસ્યું તો તે બદલાઇ ગયેલું હતું અને તેના પર વિનય મિશ્રાનું નામ હતું.જેથી મારા પુત્રને પૂછતાં તેણે રૃપિયા ઉપાડવા ગયો ત્યારે એક શખ્સ કાર્ડ ફસાઇ જાય છે તેમ કહી તેની સાથે વાતો કરતો હોવાની કબૂલાત કરી હતી.આ શખ્સ વાત કરતી વખતે મારા પુત્રના પાસવર્ડ પર પણ ધ્યાન આપતો હતો અને મારો પુત્ર રૃપિયા ગણતો હતો ત્યારે તેણે કાર્ડ બદલી નાંખ્યું હોવાની શક્યતા છે.જેથી છાણી પોલીસે ગુનો નોંધ્યો છે.