ગરબા મેદાનો પર નવ દિવસમાં ત્રણ લાખ યુનિટ વીજળીનો થશે ધૂમાડો, આયોજકો લાખોનું બિલ ચૂકવશે
Vadodara Navratri 2024: વડોદરામાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે.આજે ગુરુવારથી વડોદરા નવ દિવસ માટે ગરબામય થઈ જશે.ગરબા મેદાનો પર રોશનીનો ઝગમગાટ જાળવી રાખવા માટે શહેરના મોટા અને મધ્યમકદના ગરબામાં આ નવ દિવસ દરમિયાન 3 લાખ યુનિટ વીજળીનો વપરાશ થશે તેવું અનુમાન છે.
વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે મોટા અને મધ્યમ કદના ગરબાના આયોજકો ટેમ્પરરી વીજ જોડાણ માટે અરજી કરતા હોય છે.તેમના દસ્તાવેજોની ચકાસણી અને સાઈટ ઈન્સ્પેક્શન બાદ જોડાણ માટે મંજૂરી આપવામાં આવતી હોય છે.દરેક જોડાણ માટે ડિપોઝિટ પણ લેવાતી હોય છે.આ વખતે ગરબા માટે 70 જેટલા ટેમ્પરરી જોડાણ આપવામાં આવ્યા છે.જેની કુલ ક્ષમતા 2500 કિલોવોટ જેટલી થાય છે.
એક અનુમાન પ્રમાણે રોજ ગરબા મેદાનો પર રોજ 13 કલાક વીજ વપરાશ થશે.નવ દિવસમાં ગરબા મહોત્સવોમાં લગભગ 3 લાખ યુનિટ વીજળી વપરાશે.હંગામી જોડાણના ફિક્સડ ચાર્જ, એનર્જી ચાર્જ, જોડાણ આપવાનો ખર્ચ, લેબર કોસ્ટ અને બીજા ખર્ચની ગણતકરી કરવામાં આવે તો ગરબા આયોજકોનું કુલ વીજ બિલ 40 લાખ રુપિયા જેટલુ આવશે.
મળતી વિગતો પ્રમાણે ગત વર્ષે ગરબા માટે 80 જેટલા વીજ જોડાણો અપાયા હતા.આ વખતે ૧૦ જેટલા ઓછા જોડાણો છે.વીજ સપ્લાય ખોરવાય તેવી સ્થિતિને પહોંચી વળવા માટે ઘણા ગરબા મેદાનો પર આ વખતે જનરેટર પણ તૈનાત કરવામાં આવ્યા છે.