વડોદરાના વડસર બ્રિજ નીચે પાણીની લાઈન દૂરસ્તી અને બુલેટ ટ્રેનને કારણે લાઈન શિફ્ટ કરવાની કામગીરીથી તા.5 થી 8 પાણીનો કકળાટ: ત્રણ લાખ લોકોને અસર
વડોદરા,તા.03 ફેબ્રુઆરી 2024,શનિવાર
વડોદરાના વડસર બ્રિજ નીચે પાણીની લાઈનનું સમારકામ અને બુલેટ ટ્રેનની કામગીરીમાં નડતરરૂપ પાણીની લાઈન હટાવવાની કામગીરીને કારણે તારીખ પાંચમી થી તારીખ 8 મી જાન્યુઆરી સુધી દક્ષિણ ઝોન વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ સર્જાશે જેમાં કેટલાક વિસ્તારોમાં તારીખ 7 અને 8 બે દિવસમાં ત્રણ સમય પીવાનું પાણી મળશે નહીં જ્યારે કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી સમય કરતા ઓછું અને વિલંબ થી મળશે તેમ જાણવા મળે છે. જેથી દક્ષિણ ઝોન વિસ્તારના અંદાજે ત્રણ લાખ લોકોને અસર થશે.
પાણી પુરવઠા શાખા દ્વારા વડસર રેલ્વે બ્રીજ નીચે હયાત પુશીંગ વાળી 600 મી.મી. વ્યાસની નળીકામાં લીકેજ દુરસ્તીના કામે નળીકા બદલવાની કામગીરી તા.5/2/2024થી હાથ ધરવાની છે, જેથી તા.6/2/2024 થી 7/2/2024 સુધી માંજલપુર ટાંકીથી સવારે 6 થી 7 ક્લાકના સમયે પાણી મેળવતા વિસ્તાર વડસર રેલ્વે ટ્રેકથી વિશ્વામીત્રી રેલ્વે ટ્રેક સ્ટેશનની પશ્ચિમ તરફનો વિસ્તાર બીલ્લાબોંગ સ્કુલની સામે તેમજ પાછળ આવેલ સોસાયટી વિસ્તાર, સુર્યદર્શન ટાઉનશીપની આજુ-બાજુની સોસાયટી વિસ્તાર, વિશ્વામીત્રી ટાઉનશીપનીઆજુ-બાજુનો વિસ્તારમાં પાણી વિતરણ નિયત સમય કરતા વિલંબથી, હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે કરવામાં આવશે તેમજ જી.આઈ.ડી.સી. રોડ ટાંકીથી સવારે 9 થી 10 કલાકના સમયે પાણી મેળવતા વિસ્તાર તુલસી ટાઉનશીપથી વડસર ગામ, વડસર ગામથી બીલ્લાબોંગ સ્કુલ ચાર રસ્તા સુધીનો આજુ-બાજુના વિસ્તારમાં પાણી વિતરણ નિયત સમય કરતા વહેલા સવારે 6 થી 7ના સમયમાં, હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે કરવામાં આવશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ એ વડોદરા શહેરમાં ચાલતી બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા વડસર રેલ્વે બ્રીજ નીચે 1150 મી.મી. એચ.એસ. ફીડર નળિકાને શિફ્ટ કરવાની કામગીરી તા.7/2/2024ના રોજ સવારના પાણી વિતરણના સમય બાદ હાથ ધરવાની હોઈ સીંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી મેળવતી મકરપુરા જી.આઈ.ડી.સી. રોડ ટાંકી, માંજલપુર ટાંકી, તરસાલી ટાંકી, મકરપુરા ગામ બુસ્ટર, મકરપુરા એરફોર્સ બુસ્ટર, જાંબુવા ટાંકીથી પાણી મેળવતા વિસ્તારમાં તા.7/2/2024ના રોજ બપોરે તથા સાંજે તેમજ તા.8/2/2024ના રોજ સવારનું પાણી વિતરણ કરી શકાશે નહી તેમજ તા.8/2/2024ના રોજ બપોર બાદ પાણી વિતરણ વિલંબથી, હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે કરવામાં આવશે, વડોદરા કોર્પોરેશને જાહેર જનતાને જરૂરી પાણીનો જથ્થો સંગ્રહ કરવા તેમજ કામગીરીમાં સહકાર આપવા વિનંતી કરી છે.