વડોદરામાં બિલ ટીપી સ્કીમ નંબર-1 ના ફાઇનલ પ્લોટમાં થયેલા દબાણ દૂર કરી પ્લોટ ખુલ્લો કરવા કોર્પોરેશનની ત્રણ દિવસની નોટિસ
- જો દબાણ નહીં દૂર કરાય તો કોર્પોરેશન હટાવી દેશે
- અગાઉ ભાયલી વિસ્તારમાં પણ ટીપી રસ્તો ખુલ્લો કરવા દબાણ હટાવવા સૂચના આપી હતી
વડોદરા,તા.2 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ ભાયલી વિસ્તારમાં ગોકુળપુરા, ભાયલી, રાયપુરામાં ટીપી રસ્તો ખુલ્લો કરવા રસ્તામાં અડચણરૂપ દબાણો હટાવી રસ્તાની જમીન ખુલ્લી કરવા નોટિસો આપ્યા બાદ હવે બિલ ટીપી સ્કીમ નંબર 1ના ફાઇનલ પ્લોટ નંબર 9માં કરેલા દબાણ દૂર કરી પ્લોટ ખુલ્લો કરવા માટે ત્રણ દિવસની નોટિસ ફટકારી છે.
ફાઈનલ પ્લોટ નંબર-9માં ભળતી જમીનના માલિકોને કોર્પોરેશન દ્વારા ટીપી એકટ મુજબની નોટીસો પાઠવેલ છે. તેમ છતા બિનઅધિકૃત વપરાશ બંધ કરી પ્લોટને ખાલી કરેલ નથી અને પ્લોટમાં દબાણ કરેલુ છે. કોર્પોરેશને નિયમ મુજબ નોટીસો આપી હોવા છતાં સંબંધિત માલિકો અને કબજેદારોએ નોટીસો સ્વીકારેલ નથી. આથી કોર્પોરેશન દ્વારા તેઓને આખરી જાહેર નોટીસથી સુચના આપી છે કે ત્રણ દિવસમાં તમામ અવરોધ દૂર કરી જમીનનો કબજો ખુલ્લો કરવો. નોટિસની સમય મર્યાદાની મુદત પૂર્ણ થતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગોતરી જાણ કર્યા સિવાય આ ફાઈનલ પ્લોટની જમીનને ખુલ્લી કરવામાં આવશે. અગાઉ ભાયલી વિસ્તારમાં રાયપુરા, ગોકુળપુરા, ભાયલી વિસ્તારની મુસદ્દા રૂપ ટીપી સ્કીમ નંબર 24 ના અમુક બ્લોક નંબર માંથી 24 મીટરનો જે રસ્તો પસાર થાય છે તે રસ્તો ખુલ્લો કરવા નોટીસો આપવામાં આવી હતી. જે તે સરનામા સ્થળે માલિકો અને કબજેદારો નહીં હોવાથી સરનામાના અભાવે કોર્પોરેશન દ્વારા નોટિસો આપી શકાય ન હતી. જેથી કોર્પોરેશન દ્વારા રસ્તો ખુલ્લો કરવા અને અડચણરૂપ દબાણો તોડી પાડવા જાહેર નોટીસ દ્વારા સુચના આપી હતી.