શિક્ષિકાને મોબાઈલ ઉપર લીંક મોકલી બેંક ખાતામાંથી 3.80 લાખ ઉપાડી લીધા

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
શિક્ષિકાને મોબાઈલ ઉપર લીંક મોકલી બેંક ખાતામાંથી 3.80 લાખ ઉપાડી લીધા 1 - image


સાઇબર ગઠીયાઓનું વધુ એક કારસ્તાન

વોટ્સએપ ઉપર આવેલા મેસેજને અવગણતા ગઠીયાએ ફોન કરીને લિંક મોકલી આપી : પોલીસે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સાયબર ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ વખતે શહેરના સેક્ટર ૨૨માં રહેતા અને ૨૩ની શાળામાં કામ કરતા મહિલા શિક્ષિકાને ગઠિયાઓએ મોબાઈલ ઉપર લીંક મોકલી ખાતામાંથી અલગ અલગ તબક્કે કુલ ૩.૮૦ લાખ રૃપિયા ઉપાડી લીધા હતા. જે સંદર્ભે સેક્ટર-૨૧ પોલીસ મથકમાં ફરિયાદ આપતા વધુ તપાસ શરૃ કરી છે.

હાલના ઓનલાઇન યુગમાં ડિજિટલ છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ખાસ કરીને સાઇબર ગઠિયાઓ મહિલાઓ અને વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે. જેમને અલગ અલગ પ્રકારે ફોન કરીને તેમના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડી કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેરના સેક્ટર-૨૨માં આવેલી અહંતનવકાર વસાહતમાં રહેતા અને સેક્ટર-૨૩માં આવેલી એમ. બી. પટેલ ઇંગ્લિશ મીડીયમ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન જયેશકુમાર તન્નાને નિશાન બનાવવામાં આવ્યા છે. જે ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગત મંગળવારના રોજ તેઓ શાળામાં હાજર હતા. તે વખતે તેમના વોટ્સએપ ઉપર બેંક એકાઉન્ટ બ્લોક થયા સંદર્ભેનો મેસેજ આવ્યો હતો જો કે તેમણે આ મેસેજને અવગણી દીધો હતો ત્યારબાદ સાંજના સમયે એક વ્યક્તિએ ફોન કરીને પોતે એક્સિસ બેંકમાંથી બોલતી હોવાની જાણ કરી મારો નંબર કેમ બ્લોક કર્યો છે અનલોક કરો તેમ કહી વોટ્સએપ ઉપર એપ્લિકેશન મોકલી આપી હતી અને તેમાં વિગતો ભરવા જણાવ્યું હતું. જોકે તેમણે આ લીંક ઓપન કરી હતી પરંતુ અન્ય વિગતો ભરી ન હતી. આ દરમિયાન જ તેમનો ફોન હેક થઈ ગયો હતો અને તેમના ખાતામાંથી ૧.૮૦ લાખ રૃપિયા ઉપડી ગયા હતા. આ અંગે તુરંત જ સાયબર ક્રાઇમમાં જાણ કરી હોવા છતાં બીજા બે લાખ રૃપિયા પણ ઉપડી ગયા હતા. જેથી આ સંદર્ભે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News