ટુ વ્હીલરના શો રૃમના સર્વિસ મેનેજર દ્વારા ૩.૫૬ લાખની છંેતરપિંડી
ગ્રાહકોને ફોન કરી પોતાના પર્સનલ એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા
વડોદરા,ટુ વ્હીલર વાહનોના શો રૃમના સર્વિસ મેનેજર દ્વારા કંપની સાથે તેમજ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી ૩.૫૬ લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા રોડ જૂના બાપોદ જકાત નાકા પાસે પુષ્ટિ પ્રભા સોસાયટીમાં રહેતો હર્ષ દિપકભાઇ ઠક્કરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું છેલ્લા પાંચ વર્ષથી માંજલુપર દરબાર ચોકડી પાસે ટી.વી.એસ. કંપનીના શો રૃમમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરૃં છું. સિંધવાઇ માતા રોડ પર આવેલી અમારી બ્રાંચમાં ફક્ત ટુ વ્હીલર સર્વિસનું કામ ચાલે છે. ત્યાં ૧૫ જેટલા લોકો કામ કરે છે. ઓગસ્ટ - ૨૦૨૩ થી ભાવિક પ્રવિણચંદ્ર શાહ ( રહે. શાંતિકુંજ સોસાયટી, માંજલપુર)ની સર્વિસ મેનેજર તરીકે નિમણૂંક કરી છે. સર્વિસ સેન્ટરમાં આવતા વાહનોનું જોબ કાર્ડ બનાવવામાં આવે છે. જેમાં સર્વિસના મુદ્દા નોંધવામાં આવે છે. વાહન માલિક જ્યારે વાહન પરત લેવા આવે ત્યારે બિલ મુજબના રૃપિયા રોકડા અથવા તો ઓનલાઇન સ્વીકારવામાં આવે છે. વાહન સર્વિસ માટે આવે ત્યારે જોબ કાર્ડ ઓપન કરવામાં આવે છે અને કસ્ટર જ્યારે ગાડી લઇ જાય ત્યારે બિલ ચૂકવે એટલે જોબ કાર્ડ ક્લોઝ કરાય છે. પરંતુ, સર્વિસ મેનેજરે ઓપન થયેલા જોબ કાર્ડના બિલની રકમ લઇ લીધી હોવાછતાંય તે ક્લોઝ કર્યા નહતા.
સર્વિસ મેનેજરે તા. ૦૧ - ૦૮ - ૨૦૨૩ થી તા. ૦૯ - ૦૩ - ૨૦૨૪ દરમિયાન આ રીતે કુલ ૧.૫૮ લાખની રકમ જમા કરાવી નહતી. તેમજ ૧૦ ગ્રાહકોને કોલ કરી તેમના વાહનોમાં નવા સ્પેર પાર્ટ્સ નાંખવાના બહાને પોતાના પર્સનલ એકાઉન્ટમાં ૧.૯૬ લાખ ઓનલાઇન મેળવી લીધા હતા. આ રીતે ભાવિક શાહે કુલ રૃપિયા ૩.૫૬ લાખ પડાવી લીધા હતા.