પોસ્ટ ખાતામાં ઇન્વેસ્ટમેન્ટના બહાને 3,00,000 પડાવી લીધા
image : Freepik
- મિત્રને પોસ્ટ ખાતામાં ઇન્વેસ્ટ કરાવી ત્રણ લાખ રૂપિયાને છેતરપિંડી કરનાર સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વડોદરા,તા.21 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરાના માંજલપુર વિસ્તારના અલવાનાકા મહાદેવ નગરમાં રહેતા 67 વર્ષના લક્ષ્મણભાઈ સહદેવભાઈ પડવાળી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2016માં મારા કોલેજના મિત્ર નીનાદ ભરતકુમાર પાઠક રહેવાસી પાઠક ખડકી ગોપાલપુરા ગામ તાલુકો ડાકોર મને મળ્યો હતો તેના મમ્મી સરયુબેન પોસ્ટમાં એજન્ટ તરીકે કામ કરે છે અને તેનું હેન્ડલ હું કરું છું. તેવું તેણે મને કહ્યું હતું તેણે મને જણાવ્યું હતું કે પોસ્ટમાં રીકરીંગ ખાતું ખોલાવી દે સારું છે. જેથી અમે નિનાદ સાથેના સારા સંબંધોના કારણે તેના પર ભરોસો રાખી રીકરીંગ યોજનામાં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું. દર મહિને 5,000 નું એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેના મમ્મી સરયુબેન સાથે મારા ઘરે આવી જરૂરી ફોર્મ ભરી સહી કરાવી 5000 રોકડા લઈને તે જતો રહ્યો હતો.
ત્યારબાદ એક મહિના પછી મારા ઘરે આવી એજન્ટનું કાર્ડ આપી ગયો હતો. જેમાં મારું નામ એકાઉન્ટ નંબર અને દર મહિનાની તારીખ તથા રકમ અને રૂપિયા કલેક્ટ કર્યા અંગેની સહી હતી. તમારી પાસબુક મારી પાસે જ રહેવા દો તેમ જણાવી નિનાદ દર મહિને મારા પાસેથી 5000 રૂપિયા લઇ સહી કરી આપતો હતો. વર્ષ 2016 થી વર્ષ 2021 સુધી કુલ ત્રણ લાખ ભર્યા હતા. રિકરીંગ એકાઉન્ટની મુદ્દત પાકતા રકમ આપવા માટે નીનાદભાઈને જણાવ્યું હતું ત્યારે તે કોઈને કોઈ બહાના બનાવતો હતો. પાસબુક ગુમ થયાનું જણાવી તેણે મને નોટરી રૂબરૂ કરાર કરી રૂપિયા આપી દેવાની બાહેધરી આપી હતી પરંતુ તેણે મને રૂપિયા આપ્યા ન હતા.