દેવ ડેમ અને આજવા સરોવરમાં ૨૯૮૯૨ મિલિયન લીટર નવું પાણી આવ્યું
પાણીનો એક હજાર લીટરે રૃા.૬ના ચાર્જ ગણીએ તો રૃા.૧૮ કરોડનું પાણી કુદરતે આપ્યું
વડોદરા, તા.16 વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા બે મોટા જળાશયો આજવા સરોવર અને દેવ ડેમ છલકાઇ ગયા છે. આ બન્ને જળાશયોમાં કુલ ૨૯૮૯૨ મિલિયન લીટર નવું પાણી છેલ્લા ૧૫ દિવસમાં આવ્યું છે. પાણીની કિંમત જો પાણી પુરવઠા બોર્ડ દ્વારા વડોદરા મહાપાલિકાને આપવામાં આવતા રૃા.૬ પ્રતિ હજાર લીટરના દરે પાણીની કિંમતે આંકવામાં આવે તો રૃા.૧૮ કરોડનું મૂલ્ય આ પાણીનું થાય છે. પાણી પુરવઠા બોર્ડ વર્તમાન સમયે પ્રતિ એક હજાર લીટરે રૃા.૬ નો ચાર્જ વસુલે છે.
વડોદરામાં આવેલા જળાશયોની સ્થિતિ જોઇએ તો દેવ ડેમમાં તા.૧ જૂનના રોજ વોટર લેવલ ૮૫.૧૪ મીટર હતું. તેમાં ડેમની કુલ ક્ષમતાના ૩૫.૭૨ ટકા એટલે કે ૮૫૭ એમસીએફટી જળરાશી સંગ્રહિત હતી. હવે તા.૧૫ જુલાઈની સ્થિતિએ ડેમમાં પાણીનું સ્તર ૮૭.૮૭ મીટર છે. જ્યારે, તેમાં હાલની સ્થિતિએ ૧૫૭૫ એમસીએફટી(મિલિયન ક્યૂબિક ફૂટ) પાણી સંગ્રહિત થયું છે. સાદા શબ્દોમાં કહીએ તો દેવ ડેમમાં ૭૧૭.૯૦ એમસીએફટી એટલે કે ૨૦૩૨૩ મિલિયન લીટર નવું પાણી આવ્યું છે. આ જળરાશીની કિંમત પાણી પુરવઠાના દરે આંકવામાં આવે તો આ પાણીનું મૂલ્ય રૃા.૧૨.૨૦ કરોડ થાય છે. દેવ ડેમનો કુલ ૧૧૦૧૭ કમાન્ડ એરિયા છે. જેમાં ખરીફ પાક માટે ૩૭૩૨ હેક્ટર, રવી સિઝન માટે ૧૫૦ હેક્ટર સહિત સિંચાઇ થાય છે.
એ જ રીતે વડોદરા શહેરમાં નર્મદા, મહી ઉપરાંત આજવા જળાશયનું પણ પાણી વિતરણ કરવામાં આવે છે. આજવા ડેમમાં વરસાદ પહેલા પાણીનું લેવલ ૨૦૭.૨૦ ફૂટ હતું. અત્યારે મેઘરાજાની મહેરબાનીથી આ લેવલ હાલમાં ૨૦૯.૭૦ ફૂટ પહોંચી ગયું છે. તેમાં ૩૩૮ એમસીએફટી નવા પાણીનો સંગ્રહ થયો છે. આ પાણીની કિંમત ઉક્ત દરોએ રૃા.૫.૭૪ કરોડ થાય છે.