ખાદ્યપદાર્થોમાં ભેળસેળના ૨૦૫ કેસોમાં ૨૯.૬૪ લાખનો દંડ કરાયો

નિવાસી અધિક કલેક્ટર સમક્ષ કેસો ચાલી જતાં વેપારીઓ સામે આકરી કાર્યવાહી

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
ખાદ્યપદાર્થોમાં ભેળસેળના ૨૦૫ કેસોમાં ૨૯.૬૪ લાખનો દંડ કરાયો 1 - image

વડોદરા, તા.5 વડોદરા શહેર અને જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેસો ચલાવી દંડ ફટકારવાની કાર્યવાહી અંતર્ગત છેલ્લા પાંચ માસમાં જ ૨૦૫ કેસોમાં રૃા.૨૯.૬૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મદદનીશ કમિશનરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ અને ડ્રગ્સ વિભાગ હસ્તક ફરજ બજાવતા ફુડ સેફ્ટી ઓફીસર દ્વારા સમયાંતરે વિવિધ દુકાન તથા હોટેલ કે અન્ય ફુડ વેચાણ સ્થળ પરથી નમૂના લઇ પૃથ્થકરણ કરાવવા માટે રાજ્ય સરકારની ભૂજ સ્થિત પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. ખાસ કરીને પનીર, મસાલા, મીઠાઈ અને તેના જેવી બનાવટોના નમૂના લઈ તેનું વૈજ્ઞાાનિક ઢબે પરીક્ષણ કરાવવામાં આવે છે. તેના રિપોર્ટમાં જે તે વસ્તુ સબસ્ટાન્ડર્ડ કે અખાદ્ય જાહેર થતાં નિવાસી અધિક કલેકટર સમક્ષ કેસ દાખલ કરવામાં આવે છે. તેઓ એડજ્યુકેટીંગ ઓફીસર હોય છે. 

જે તે વેપારી સામે કેસ દાખલ થયા બાદ રૃબરૃ સુનાવણી અર્થે અરજદાર તથા ફુડ સેફ્ટી ઓફીસરને સાંભળ્યા બાદ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અન્વયેની કલમ હેઠળ વડોદરાના એડજ્યુકેટીંગ ઓફીસર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા આવા કેસના ઝડપી નિકાલ માટે ઝૂંબેશ ચલાવવામાં આવી છે. સપ્તાહના બે દિવસ સુનાવણી રાખી ગત આક્ટોબર માસથી આજ સુધીમાં કુલ ૨૦૫ કેસો ચલાવી રૃા.૨૯૬૪૫૦૦નો દંડ વેપારીઓને ફટકારવામાં આવ્યો છે. 

કેટલાક કેસમાં તો પાંચ લાખ રૃપિયા સુધીનો પણ દંડ કરવામાં આવતા લોક આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ઉલ્લેખનીય છે કે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતાં તત્વો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.




Google NewsGoogle News