વડોદરામાં મીઠાઈ, ફરસાણ, મસાલા, ખાદ્ય તેલ, જ્યુસ, આઇસ્ક્રીમ વગેરેના 28 નમૂના લેબોરેટરીની તપાસમાં નાપાસ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં હોટલો દુકાનો રેસ્ટોરન્ટ વગેરેમાં ચેકિંગ કર્યું હતું અને ખાદ્ય પદાર્થોના નમુના લીધા હતા .જે પૈકી 28 નમુના લેબોરેટરીમાં ટેસ્ટ કરતા નાપાસ થયા છે. કોર્પોરેશનની આરોગ્ય શાખાના અધિક આરોગ્ય અમલદાર અને ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસરોને શહેરમાંથી મીઠાઈ, ફરસાણ, મસાલા, પનીર, જ્યુસ ,ખાદ્યતેલ, આઈસ્ક્રીમ, મીઠો માવો, પ્રિપેર્ડ ફૂડ વગેરેના નમૂના લેવા સૂચના અપાઈ હતી.
શહેરના અલકાપુરી, કારેલીબાગ ,મકરપુરા, સયાજીગંજ, હાથીખાના માર્કેટ, દાંડિયા બજાર, ચોખંડી, ફતેપુરા, વાઘોડિયા રોડ વગેરે વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન રો મટીરીયલ્સ ના પણ નમૂના લીધા હતા. જેમાંથી 28 નમુના ફતેગંજ ખાતે આવેલી પબ્લિક હેલ્થ રેબોરેટરીમાં તપાસ દરમિયાન નાપાસ થયા હતા .જેમાંથી બે નમૂના અનસેફ, એક નમૂનો સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ તેમજ 25 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેથી હવે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.