વડોદરા જિલ્લામાં જમીન રિસર્વે બાદ ૨૫૬૪ વાંધાઓનો નિકાલ બાકી

વાંધોઓનો નિકાલ કરવા માટે જમીન દફ્તર શાખા દ્વારા હવે ગ્રામસભા યોજાશે ઃ જિલ્લામાં પ્રથમ તબક્કામાં ૧૫૧ ગામોનો સમાવેશ કરાયો

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લામાં જમીન રિસર્વે બાદ ૨૫૬૪ વાંધાઓનો નિકાલ બાકી 1 - image

વડોદરા, તા.21 વડોદરા જિલ્લામાં ખેતીની જમીનના પ્રમોલગેશન દરમિયાન અનેક ક્ષતિઓ રહી ગઇ હોવાથી તંત્ર દ્વારા હવે આ ક્ષતિઓ સુધારવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં રિસર્વે (પ્રમોલગેશન) સામે આવેલા વાંધાઓ પૈકી આશરે ૨૫૬૪ના વાંધાઓનો નિકાલ કરવા માટે તંત્ર હવે ગામેગામ પહોંચશે તેમ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં જમીન રિસર્વેની કામગીરી વર્ષ-૨૦૧૨થી હાથ ધરવામાં આવી હતી. આ રિસર્વેનું કામ વડોદરા જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં સર્વેયરો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લામાં થયેલ રિસર્વેની કામગીરી દરમિયાન ઘણીબધી ક્ષતિઓ રહી ગઇ હતી અને આ ક્ષતિઓ સામે કુલ ૨૫૪૪૦ વાંધા અરજીઓ તંત્ર સમક્ષ આવી હતી. આ વાંધા અરજીઓ પૈકી ૨૨૮૭૬નો નિકાલ કરી દેવામાં આવ્યો હતો અને  હજી ૨૫૬૪ ક્ષતિઓનો નિકાલ હજી પણ બાકી છે.

લાંબા સમયથી બાકી આ ક્ષતિઓ માટે અંતિમ નિર્ણય લેવામાં આવે તે માટે જિલ્લા નિરિક્ષક જમીન દફ્તર શાખા દ્વારા જિલ્લાના ગામોમાં કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કે પાદરા તાલુકાના ત્રણ અને વાઘોડિયા તાલુકાના બે ગામોમાં વાંઘાઓનો નિકાલ કરવા માટે તા.૨૬, ૨૭ અને ૨૮ના રોજ ગ્રામસભાઓનું આયોજન કરાયું છે. વાંધા અરજીઓનો નિકાલ કર્યા બાદ હુકમો પણ ખેડૂતોને હાથોહાથ આપવાનું આયોજન હાથ ધરાયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તા.૫ જૂન સુધી વાંઘાઅરજીઓનો નિકાલ કરવાની સુચના હોવાથી તે મુજબ એક ઝુંબેશ હાથ ધરાઇ છે.

વડોદરા જિલ્લામાં હાલ વાઘોડિયા તાલુકાના ૭૯, કરજણ તાલુકાના ૩૯, શિનોરના ૧૭ એ ડભોઇ તાલુકાના ૧૬ મળી કુલ ૧૫૧ ગામોમાં રિસર્વે બાદ વાંધાઅરજીઓનો નિકાલ કરવામાં આવશે.




Google NewsGoogle News