ડાકોરમાં 252 વર્ષ પૂર્વે ઠાકોરજી મંદિરમાં બિરાજમાન થયા હતા

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ડાકોરમાં 252 વર્ષ પૂર્વે ઠાકોરજી મંદિરમાં બિરાજમાન થયા હતા 1 - image


- રણછોડરાયજી મંદિરનો 252 મો પાટોત્સવ ઉજવાયો 

- ઠાકોરજીને સોનાના શંખથી કેસર સ્નાન કરાવ્યું : મંદિર પરિસરને શણગારાયું

ડાકોર : ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં તા.૨૯ ફેબ્રુઆરીને મહાવદ પાંચમના દિવસે ૨૫૨મોં પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં ઠાકોરજીને સોનાના શંખથી કેસરનું સ્નાન કરાવીને વિશેષ શણગાર કરાયો હતો. આસોપાલવના તોરણથી શણગારેલું મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયું હતું.  

વિક્રમ સંવત ૧૮૨૮ને મહા-વદ પાંચમને સોમવારના દિવસે આજથી ૨૫૨ વર્ષ પૂર્વેે શ્રી રણછોડરાયજીના સ્વરૂપને વિશાળ ૧૨ રાશિ પ્રમાણે ૧૨-૧૨ પગથિયાં, આઠ ગુંબજ, ૨૪ મીનારા, મોટો મિનારો ૯૦ ફૂટનો, તમામ કળશ સોના વરખથી મઢેલા, ૮૦૦ દીવડાની દીપમાળાથી સુશોભિત મંદિરમાં ભારતભરમાંથી આવેલા પારંગત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિા કરવામાં આવી હતી.જે ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે ઠાકોરજીને મંગળા આરતી બાદ સોનાના શંખ દ્વારા કેસરથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. શણગાર ભોગમાં ઉત્સવ તિલક કરવામાં આવ્યું હતું. ઠાકોરજીને મહાભોગ ધરાવવામાં આવ્યો હતો.

ગુરૂવારે મંદિરના પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરને આસોપાલવના તોરણો તથા ધજા-પતાકાથી શણગારવામાં આવ્યું હતું. તેમજ સંધ્યા સમયે શુદ્ધ ઘીના દીવાની રોશની કરવામાં આવતા મંદિર ઝળહળી ઉઠયું હતું. તેમજ શણગાર આરતી બાદ વૈષ્ણવોને પ્રસાદીનું વિતરણ કરાયું હતું. પાટોત્સવમાં હજારો ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.  


Google NewsGoogle News