૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ના ભર્યા

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ના ભર્યા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પહેલા ડિગ્રી મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ત્રણ વખત લંબાવ્યા પછી પણ ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેમણે ડિગ્રી મેળવવા માટે ફોર્મ જ ભર્યા નથી.

મળતી વિગતો પ્રમાણે પદવીદાન સમારોહ પહેલા વિદ્યાર્થીઓએ સમારોહમાં હાજર રહીને અથવા તો ગેરહાજર રહીને ડિગ્રી મેળવવા માટેનો વિકલ્પ પસંદ કરીને ફોર્મ ભરવાના હોય છે.યુનિવર્સિટી સત્તાધીશોએ લગભગ એક મહિના સુધી ઓનલાઈન ફોર્મ ભરવા માટેની કાર્યવાહી ચાલુ રાખી હતી.શરુઆતમાં ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો ઉઠી હતી અને તેના કારણે બે વખત ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી હતી.

સાત નવેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી મુદત પૂરી થઈ હતી.યુનિવર્સિટી સૂત્રોના કહેવા અનુસાર ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષમાં ૧૨૮૦૦ વિદ્યાર્થીઓને બેચરલ અને માસ્ટરની ડિગ્રી મળવાની છે.આ પૈકી ૧૦૩૦૦  વિદ્યાર્થીઓએ પદવીદાન સમારોહમાં હાજર રહીને અથવા ગેરહાજર રહીને ડિગ્રી મેળવવા માટે  ફોર્મ ભર્યા છે.જ્યારે ૨૫૦૦ વિદ્યાર્થીઓએ ફોર્મ નહીં ભર્યા હોવાથી તેમની ડિગ્રીઓ પણ ધૂળ ખાતી પડી રહે તેવી શક્યતા છે.

સૂત્રોનુ કહેવુ છે કે, દર વર્ષના મુકાબલે આ વર્ષે ડિગ્રી માટે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.કારણકે ગયા વર્ષે પણ ૩૦ ટકા જેટલા વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવા માટે ફોર્મ ભર્યા હતા.આ વર્ષે આ સંખ્યામાં ખાસો ઘટાડો થયો છે.

જોકે હજી સુધી પદવીદાન સમારોહની તારીખો જાહેર થઈ નથી.સમારોહમાં દિક્ષાતં પ્રવચન આપવા માટે ઉપસ્થિત રહેનાર મહાનુભાવનુ નામ અને તારીખ માત્ર વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવ જ નક્કી કરશે તેવુ મનાઈ રહ્યુ છે.



Google NewsGoogle News