એમ.એસ.યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં ૨૫૫૪ જેટલી બેઠકો ખાલી પડી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં જીકાસ પોર્ટલ થકી થયેલી પ્રવેશ કાર્યવાહી બાદ અન્ડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીજી ડિપ્લોમા કોર્સની કુલ ૨૫૫૪ જેટલી બેઠકો ખાલી પડી છે.હવે આ બેઠકો પર યુનિવર્સિટી જાતે પ્રવેશ કાર્યવાહી કરશે.
તાજેતરમાં ફેકલ્ટી ડીન્સની બેઠકમાં વાઈસ ચાન્સેલર દ્વારા તમામ ફેકલ્ટીઓ પાસે ખાલી બેઠકોની જાણકારી માંગવામાં આવી હતી.તમામ ફેકલ્ટીઓએ જે આંકડા પૂરા પાડયા છે તે અંગે મળતી વિગતો પ્રમાણે આર્ટસ ફેકલ્ટીમાં એફવાયની ૧૦૦૦ બેઠકો, સાયન્સ ફેકલ્ટીમાં પણ ૩૩૧ બેઠકો ખાલી છે.સામાન્ય રીતે હોમસાયન્સમાં મોટાભાગની બેઠકો ભરાઈ જતી હોય છે ત્યારે એફવાયમાં ગ્રાન્ટ ઈન એઈડની ૧૬૬ અને હાયર પેમેન્ટની ૧૬૬ બેઠકો ખાલી પડી છે.લો ફેકલ્ટીમાં ડિપ્લોમા કોર્સની ૨૬૪ બેઠકો પર હજી કોઈએ પ્રવેશ લીધો નથી તો એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વિવિધ ડિપ્લોમા કોર્સમાં પણ ૧૧૨ જેટલી બેઠકો ખાલી પડેલી છે.સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં એક પણ બેઠક ખાલી નથી.સત્તાધીશો ધારે તો સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે તેમ છે પરંતુ વાઈસ ચાન્સેલર અને કોમર્સ ફેકલ્ટીના ડીને જક્કી વલણ અપનાવીને જાહેર કરી દીધુ છે કે, કોમર્સમાં તમામ બેઠકો ભરાઈ ગઈ છે.
જાણકારોનુ કહેવુ છે કે, આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી હોવા માટે જીકાસ પોર્ટલ દ્વારા થયેલી પ્રવેશ કાર્યવાહી જવાબદાર છે.ઘણા વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર યોગ્ય રીતે ફોર્મ ભરી શક્યા નથી.ગુજરાત બહારના ઘણા વિદ્યાર્થીઓને તો ખબર જ નથી કે આ પોર્ટલ શું છે અને તેના કારણે પણ તેઓ એમ.એસ.યુનિવર્સિટીમાંથી પ્રવેશથી વંચિત રહ્યા છે.જીકાસ પોર્ટલના કારણે યુનિવર્સિટીને કોઈ ફાયદો થયો નથી.ઉલટાનુ યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વર્ષે ઘટશે તેવી શક્યતા છે.ખાલી બેઠકો પર યુનિવર્સિટી દ્વારા કેવી રીતે અને ક્યારે પ્રવેશ કાર્યવાહી થશે તેની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.
કઈ ફેકલ્ટીમાં કેટલી બેઠકો હજી ખાલી છે
આર્ટસ ૧૦૦૦
સાયન્સ ૩૩૧
એમબીએ(એક્ઝિ) ૫૨
લો ડિપ્લોમા કોર્સ ૨૬૪
હોમસાયન્સ ૪૩૭
ફાઈન આર્ટસ ૪
એમઆરઆઈડી ૫૪
પરફોર્મિંગ આર્ટસ ૩૫
એજ્યુકેશન ૧૪૭
સંસ્કૃત મહાવિદ્યાલય ૨૩૦