વડોદરા શહેર-જિલ્લામાં ૨૫૦૦ જેટલા સીસીટીવી કેમેરાથી બોર્ડ પરીક્ષા પર નજર રખાશે
વડોદરાઃ ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી બોર્ડ પરીક્ષાનો તા.૧૧ માર્ચથી પ્રારંભ થશે.આ પરીક્ષા માટે વડોદરા શહેર અને જિલ્લાનો એક્શન પ્લાન ડીઈઓ કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
પરીક્ષાના સંચાલન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ પદે ૨૨ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે.વડોદરા શહેર જિલ્લાની સ્કૂલોમાં લગભગ ૨૦૦૦ જેટલા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ બોર્ડ પરીક્ષા લેવામાં આવશે.
ધો.૧૦ માટે ચાર ઝોનના ૧૫૬ બિલ્ડિંગના ૧૬૧૮ લર્ગોમાં ૪૭૭૧૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ધો.૧૨ કોમર્સમાં બે ઝોનના ૬૬ બિલ્ડિંગના ૬૩૦ ક્લાસરુમમાં ૨૦૪૯૩ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.જ્યારે ધો.૧૨ સાયન્સમાં ૭૫૪૮ વિદ્યાર્થીઓ ૪૧ બિલ્ડિંગના ૩૮૭ વર્ગોમાં પરીક્ષા આપશે.દરેક ક્લાસમાં એક સીસીટીવી કેમેરા લગાવાયેલો છે.એ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માટે ૨૬૩૫ વર્ગો થવા જાય છે.એક જ પરીક્ષા કેન્દ્રનો ઉપયોગ ધો.૧૦ની સાથે ધો.૧૨ની પરીક્ષા માટે પણ કેટલાક કિસ્સામાં થશે.એ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો વર્ગ અને લોબીમાં લગાવાયેલા ૨૫૦૦ જેટલા સીસીટીવી કેમેરાની નજર બોર્ડ પરીક્ષા પર રહેશે.
પરીક્ષા માટે ડીઈઓ કચેરી ખાતે ૧૦ માર્ચથી સવારે આઠ થી સાંજના આઠ વાગ્યા સુધી કંટ્રોલ રુમ કાર્યરત થશે.જેના પર વિદ્યાર્થીઓ પરીક્ષામાં પડતી મુશ્કેલી અંગે અથવા તો માર્ગદર્શન મેળવવા માટે કોલ કરી શકશે.
આગામી દિવસોમાં પરીક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સંચાલકોની બેઠક પણ બોલાવાશે.સાથે સાથે તા.૨૯મીએ જિલ્લા કલેકટર કચેરીમાં પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પણ બેઠક મળશે.દરેક પરીક્ષા કેન્દ્ર પર સરકારી પ્રતિનિધિની નિમણૂંક કરાશે અને આ પ્રતિનિધિને દોઢ કલાક પહેલા પરીક્ષા સ્થળ પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે બોર્ડ પરીક્ષાર્થીને પરીક્ષા શરુ થવાના અડધો કલાક પહેલા પરીક્ષા સ્થળ પર પ્રવેશ મળશે.દરેક વર્ગમાં પરીક્ષા દરમિયાન બે સુપરવાઈઝર ફરજ બજાવશે.દિવ્યાંગ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા શાળાના ગ્રાઉન્ડ ફ્લોર પર કરવામાં આવશે.