સેન્ટ્રલ જેલની દીવાલો પર પ્રેરણાદાયક ૨૫૦ ચિત્રો દોરાયા
બે દિવસ સુધી ૮૦ ચિત્ર કલાકારો દ્વારા ચિત્રો દોરવામાં આવ્યા
વડોદરા.જેલવાસ ભોગવતા કેદીઓના મન પર હકારાત્મક અસર થાય તે માટે નવતર પ્રયોગના ભાગરૃપે જેલની દીવાલો પર કલાકારો દ્વારા ૨૫૦ ચિત્રો દોરવામાં આવ્યા છે.
જેલમાં કેદીઓના સુધારણા માટે અવનવા કાર્યક્રમો થતા રહે છે. જેલ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. રાજકોટ તથા સ્થાનિક કલાકારો દ્વારા જેલની દીવાલો પર પ્રેરણાદાયક ચિત્રો દોરવામાં આવ્યા હતા. અંદાજે ૮૦ કલાકારો દ્વારા બે દિવસ દરમિયાન ચિત્રો દોરવામાં આવ્યા હતા. જેમાં સ્ટોપ ક્રાઇમ, ઉપગ્રહો, મહાનુભાવો, સ્વાતંત્ર્ય સેનાનીઓના ચિત્રોનો સમાવેશ થાય છે.એક ચિત્ર એવું છે કે, જેમાં બાળક દીવાલ પર બેસીને પરિવારના મોભીની આતુરતાથી રાહ જોતું દર્શાવ્યું છે અને નીચે સૂત્ર લખ્યું છે કે, આપનું બાળક પ્રતીક્ષા કરે છે. આ ચિત્ર દ્વારા ગુનો કરતા પહેલા લોકોને પોતાના બાળકો અને પરિવારનો વિચાર પણ વિચાર કરવો જોઇએ. તેવો મેસેજ આપવા પ્રયાસ થયો છે.
ચિત્રો દોરવા માટે મુખ્યત્વે એવી દીવાલો પસંદ કરવામાં આવી છે કે જ્યાં કેદીઓની અવર - જવર દિવસ દરમિયાન સૌથી વધારે હોય. આ અંગે જેલ સત્તાવાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં જો કેદીઓ તૈયારી બતાવશે તો તેઓને પણ પ્રોત્સાહિત કરવાના પ્રયાસો થશે.