પૂરના પાણીમાં ગરકાવ થયેલી ૨૫ ટકા ગાડીઓ ટોટલ લોસમાં જાય તેવી શક્યતા
વડોદરાઃ વડોદરામાં વરસાદ અને વિશ્વામિત્રીના વિનાશક પૂરે મચાવેલી તબાહીમાં હજારો કરોડો રુપિયાનું નુકસાન થયું હતું.પૂરમાં ૧૦૦૦૦ કરતા વધારે કારો પણ પાણીમાં ગરકાવ થઈ હતી અને તેના માલિકોની હાલત અત્યારે સૌથી વધારે કફોડી છે.
ઈન્સ્યોરન્સ કંપનીઓની પાસે હજી કારને થયેલા નુકસાનના ક્લેઈમ આવી રહ્યા છે ત્યારે આ કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, આ વખતના પૂરે ૨૦૧૯ના પૂર કરતા વધારે નુકસાન કર્યું છે.એક અંદાજ પ્રમાણે ૨૫ થી ૩૦ ટકા કાર ટોટલ લોસ એટલે કે રિપેર નહીં થાય તેવી સ્થિતિમાં હોઈ શકે છે.
બીજી તરફ કાર રિપેરિંગ માટે પણ મારામારી છે.મળતી વિગતો પ્રમાણે શહેરના લગભગ તમામ કાર ડીલર્સના વર્કશોપ અત્યારે હાઉસફુલ છે.પૂર બાદ રિપેર કરવા માટે આવેલી ગાડીઓનો ધસારો એટલો છે કે, ઘણી જગ્યાએ દીવાળી બાદ જ એટલે કે દોઢ થી બે મહિના બાદ રિપેર થયેલી કારો તેના માલિકોને પાછી મળશે.
ઈન્સ્યોરન્સ કંપનીઓ અને રિપેરિંગ વર્કશોપ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે દરેક કારનંય મોડેલ અલગ અલગ હોય છે.જે પ્રમાણે જોવામાં આવે તો ૩૦૦૦૦ રુપિયાથી માંડીને ૨ લાખ સુધીનો ખર્ચ રિપેરિંગ પાછળ આવે તેવો અંદાજ છે.ઓટોમેટિક કારના પાર્ટસ પણ ઘણા વર્કશોપ દ્વારા બહારથી મંગાવવામાં આવ્યા છે અને જો આવા પાર્ટસ આવવામાં વિલંબ થાય તો ઓટોમેટિક કારના રિપેરિંગમાં ૩ મહિનાનો સમય પણ લાગી શકે છે.
ઈન્સ્યોરન્સ કંપનીના એક અધિકારીએ કહ્યું હતું કે, વડોદરામાં લગભગ ૨૫ જેટલી ઈન્સ્યોરન્સ કંપનીઓ કાર્યરત છે અને હજી પણ કંપનીઓ પાસે ક્લેઈમ આવી રહ્યા છે.તંત્ર દ્વારા કરાયેલી તાકીદ બાદ ક્લેઈમનુ સેટલમેન્ટ શક્ય હોય તેટલી જલદી થાય તેવા અમારા પ્રયાસો છે.વર્કશોપ પર ગાડીઓના ભરાવાના કારણે ક્લેઈમ સેટલમેન્ટમાં વિલંબ થઈ શકે છે.
ઈન્સ્યોરન્સ કંપનીઓએ બહારગામથી ૧૦૦ જેટલા સર્વેયરો બોલાવવા પડયા
ઈન્સ્યોરન્સ કંપનીઓ પર તાજેતરના પૂરના કારણે કામનું ભારણ વધી ગયું છે.કારોને થયેલા નુકસાનના ક્લેઈમ સેટલ કરવા માટે પહેલા સવે કરવો જરુરી હોય છે અને હજારો કારો પાણીમાં હોવાથી મોટાભાગની ઈન્સ્યોરન્સ કંપનીઓએ વડોદરા બહારથી પણ સર્વેયર બોલાવવા પડયા છે.એક અનુમાન પ્રમાણે દરેક મોટી સર્વેયર કંપનીએ બહારગામથી સરેરાશ આઠ થી નવ સર્વેયર બોલાવ્યા છે.એક અંદાજ પ્રમાણે વડોદરા સિવાય બહારગામના ૧૦૦ જેટલા સર્વેયરો થકી નુકસાન પામેલી કારોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.