Get The App

કેનેડા મોકલવાના બહાને કલોલના પરિવાર પાસેથી ૨૫ લાખ ખંખેર્યા

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
કેનેડા મોકલવાના બહાને કલોલના પરિવાર પાસેથી ૨૫ લાખ ખંખેર્યા 1 - image


કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસીઝનું વધુ એક કૌભાંડ

બે સંચાલકો સામે સીઆઈડી ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો : અગાઉ પણ કરોડોની છેતરપિંડીની ફરિયાદ થઈ હતી

ગાંધીનગર :  હાલમાં લોકોને વિદેશ મોકલવા માટે નવી નવી એજન્સીઓ ખુલી રહી છે ત્યારે ગાંધીનગરના કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસિઝના સંચાલકોએ ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારના ૨૩થી વધુ લોકોને અલગ અલગ દેશના વિઝા અપાવાના બહાને ૭.૨૫ કરોડ રૃપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થઈ હતી ત્યારે હવે કલોલના પરિવારને પણ ૨૫ લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો છે.

હાલમાં લોકો વિદેશ જવા માટે લાખો રૃપિયા ખર્ચી રહ્યા છે અને એજન્ટો દ્વારા તેમની પાસેથી રૃપિયા પડાવીને છેતરપિંડી કરવામાં આવતી હોય છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં ઉમિયા ઓવરસીઝ દ્વારા કરોડો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી. જેમાં દંપતી અને અન્ય સંચાલક દ્વારા કરોડો રૃપિયા ઉઘરાવીને ૨૩થી વધુ લોકોને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી ત્યારે આ વખતે કલોલ ખાતે આવેલી સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા મુકેશકુમાર અમૃતલાલ પટેલે ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રીને કેનેડા અભ્યાસ અર્થે જવાનું હોવાથી ઉમિયા ઓવરસીઝના સંચાલક અંકિત શૈલેષભાઈ પટેલ અને તેમના ભાગીદાર વિશાલ મહેશભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે આ સમયે અંકિતભાઈના પત્ની ઓફિસમાં હાજર હતા અને ૬૫ લાખ રૃપિયામાં કેનેડા મોકલવાનું નક્કી થયું હતું. જે પેટે ૨૫ લાખ રૃપિયા આપી દેવામાં આવ્યા હતા પરંતુ તેમની દીકરીને કેનેડા મોકલવા માટે કોઈ જ પ્રોસેસ કરવામાં આવી ન હતી. જેથી આ બંને જણાએ ભેગા મળીને તેમની સાથે ૨૫ લાખ રૃપિયાની છેતરપિંડી આચરી ગુનાહિત ષડયંત્ર રચ્યું હોવા અંગે ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા વિદેશ ભાગી ગયેલા અંકિત પટેલની શોધખોળ કરવામાં આવી રહી છે અગાઉ પણ તેની સામે સંખ્યાબંધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News