મહીસાગરના ફાજલપુર અને કોટણા ખાતે 2 વર્ષમાં 25 ના મોતઃસ્યુસાઇડના બનાવો રોકવા પોલીસના સરકારને સૂચન
વડોદરાઃ વડોદરા નજીક મહીસાગર ખાતે બે સ્થળ ડેથ પોઇન્ટ બન્યા હોવાથી લોકોના જીવ બચાવવા માટે પોલીસ દ્વારા સર્વે કરીને સરકારને ગુપ્ત રીતે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા નજીક મહીસાગર નદી પર ફાજલપુર-વાસદ બ્રિજ પરથી પડતું મૂકી આપઘાત કરવાના વારંવાર બનાવો બનતા હોય છે.જેમાં કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક તરવૈયાઓ લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યા છે.જ્યારે કેટલાક લોકો બચી શકતા નથી.
મળતી માહિતી મુજબ વર્ષ-૨૦૨૨ થી અત્યાર સુધીમાં એટલેકે બે વર્ષના સમયગાળા દરમિયાન ફાજલપુર બ્રિજ પરથી પડતું મૂકીને ૧૮ લોકોએ જીવ આપ્યો છે.જ્યારે,નજીકના કોટણા ગામે બીચ નજીક પણ ડૂબવાના વારંવાર બનાવો બનતા હોય છે.બે વર્ષ દરમિયાન ઉપરોક્ત સ્થળે ૭ લોકોના મોત થયા છે.આમ,બે વર્ષમાં મહીસાગરમાં બે સ્થળે ૨૫ જણાએ જીવ ગુમાવ્યા છે.
ઉપરોક્ત વિસ્તાર વડોદરા શહેર પોલીસના નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.પોલીસ માટે પણ મહીસાગરનો ૧૦ કિમી વિસ્તારનો પટ્ટો સાચવવો મુશ્કેલ છે.જેથી પોલીસે બ્રિજ પર બંને બાજુએ ઉંચી ફેન્સિંગ કરવા માટે તેમજ કોટણા બીચ પર કોઇ જઇ ના શકે તે રીતે બેરિકેડિંગ કરવા માટે સરકારને પત્ર લખી મદદ માંગી હોવાનું જાણવા મળ્યું છે.
મહી માં હોડી બંધ કરી દેતાં લોકોના જીવ બચાવનારા નાવિકો લાચાર બન્યા
હરણી બોટ કાંડને પગલે મહીસાગરમાં હોડીઓ બંધ કરાવી દેતાં લોકોનો જીવ બચાવનારા નાવિકો લાચાર બન્યા છે.
મહીસાગરમાં ફાજલપુર અને આસપાસના વિસ્તારમાં તરવૈયાઓના ગુ્રપે અત્યાર સુધીમાં ૪૦૦ જેટલા મૃતદેહ બહાર કાઢી આપ્યા છે.જ્યારે,જાનની બાજી લગાવી ૧૫૦ થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.
ખુદ ફાયર બ્રિગેડ દ્વારા પણ મહીસાગરમાં ડૂબેલાઓની શોધ કરવા માટે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવે છે.પરંતુ હરણી બોટ કાંડ બાદ મહીસાગરમાં ફાજલપુર,મસાણી માતા અને કોટણા સહિતના સ્થળોએ હોડીઓ બંધ કરાવી દેતાં લોકોનો જીવ બચાવવા માટે નાવડી લઇને નદીમાં ઉતરી જતા નાવિકો લાચારીભરી સ્થિતિમાં મુકાઇ ગયા છે.નવાઇની વાત એ છે કે,સામે પક્ષે આણંદ જિલ્લામાં મહીના કાંઠે બોટ ફરતી દેખાય છે.