રાજ્યના PSI પોસ્ટના ૨૦૦ પો.સ્ટે. PIના થશે વડોદરા, છોટાઉદેપુર, ભરૃચ તેમજ નર્મદાના ૨૪ પો.સ્ટે.માં PSIના બદલે હવે PI
રાજ્યમાં ૨૦૦ PI, ૩૦૦ PSI અને ૨૮૦ ASIની નવી જગ્યા મંજૂર ઃ આઉટપોસ્ટમાં હવે ASI ફરજ બજાવશે
વડોદરા, તા.4 રાજ્યના ગૃહવિભાગ અને નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતાની સાથે જ સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લામાં આવેલા અને બિનહથિયારી પીએસઆઇની પોસ્ટ ધરાવતા ૨૦૦ પોલીસ સ્ટેશનોમાં હવે બિનહથિયારી પીઆઇના પોસ્ટિંગ થશે. તમામ પોલીસ સ્ટેશનોમાં હવે પીએસઆઇના બદલે પીએસઆઇ સર્વોપરી હશે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કુલ ૨૦૦ પીઆઇની વધારાની જગ્યા મંજૂર કરવામાં આવી છે તેમજ ૩૦૦ પીએસઆઇ અને ૨૮૦ એએસઆઇની જગ્યાને મંજૂરી મળી છે જેના પગલે હવે રાજ્યના પીએસઆઇ કક્ષાના પોલીસ સ્ટેશનોને પીઆઇના પોસ્ટિંગ માટે અપગ્રેડ કરવામાં આવશે આ માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં પીએસઆઇના પોલીસ સ્ટેશનોમાં પીઆઇની નિમણૂંકના ઓર્ડર કરવામાં આવશે.
સરકાર દ્વારા માત્ર પોલીસ સ્ટેશનો જ નહી પરંતુ પોલીસ સ્ટેશનોના તાબામાં આવતી આઉટપોસ્ટને પણ એએસઆઇ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવી છે અને આઉટપોસ્ટોમાં એએસઆઇની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બિનહથિયારધારી ઉપરોક્ત પોસ્ટોને મંજૂરી મળી છે પરંતુ સાથે સાથે હથિયારધારી એએસઆઇની પણ ૯૪ જગ્યાને મંજૂરી મળી ગઇ છે.
વડોદરા રેન્જમાં આવતા જિલ્લાઓની વાત કરીએ તો વડોદરા ગ્રામ્ય, છોટાઉદેપુર, નર્મદા અને ભરૃચ જિલ્લામાં પણ જે પોલીસ સ્ટેશનોમાં પીએસઆઇનું પોસ્ટિંગ છે તે પોલીસ સ્ટેશનોમાં આગામી દિવસોમાં પીઆઇના પોસ્ટિંગ થશે. રેન્જમાં આવા ૨૪ પોલીસ સ્ટેશનોમાં પીએસઆઇના પોસ્ટિંગ છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લામાં પાંચ, છોટાઉદેપુરમાં સાત, નર્મદામાં સાત તેમજ ભરૃચ જિલ્લામાં દશ પીએસઆઇની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવી જ રીતે વડોદરા જિલ્લામાં પાંચ, નર્મદામાં બે અને ભરૃચ જિલ્લામાં છ એએસઆઇના પોસ્ટિંગ કરવામાં આવશે. જે જિલ્લામાં પીએસઆઇના પોસ્ટિંગના પોલીસ સ્ટેશનો પીઆઇ કક્ષાના થશે તે પોલીસ સ્ટેશનોમાં પીએસઆઇના જગ્યા પણ યથાવત રહેશે.
રેલવેના પણ ચાર પોલીસ સ્ટેશનોમાં પીઆઇના પોસ્ટિંગ થશે
રાજ્ય સરકાર દ્વારા જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં પીએસઆઇના બદલે પીઆઇના પોસ્ટિંગ કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં વડોદરા રેલવે ડીવીઝનમાં આવતા રેલવે પોલીસ સ્ટેશનોમાં પણ હવે પીએસઆઇના બદલે પીઆઇના પોસ્ટિંગ થશે. રેલવેમાં ગોધરા, વાપી, આણંદ અને ભરૃચ રેલવે પોલીસમાં પીએસઆઇના બદલે આગામી દિવસોમાં પીઆઇના પોસ્ટિંગ થશે તેમ જાણવા મળ્યું છે.
સાવલી તાલુકા મથક અને સંવેદનશીલ છતા પીઆઇ માટે અપગ્રેડ ના કરાયું
વડોદરા જિલ્લામાં પાંચ પોલીસ સ્ટેશનોને પીએસઆઇની પોસ્ટમાંથી પીઆઇની પોસ્ટમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ સાવલી તાલુકા મથકના પોલીસ સ્ટેશનને તેમાં બાકાત રાખવામાં આવ્યું છે. સાવલી સંવેદનશીલ પોલીસ સ્ટેશનોમાં આવે છે વારંવાર ત્યાં કોમી તનાવ રહેતો હોય છે તેમ છતાં આ પોલીસ સ્ટેશનને પીઆઇમાં અપગ્રેડ નહી કરાતા આશ્ચર્ય સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકામાં આવતા ભાદરવા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પીઆઇનું પોલીસ સ્ટેશન કરવાનો નિર્ણય લેવાયો છે.