A+ રેટિંગના 24 કલાક બાદ શિક્ષણમંત્રીને MSUને અભિનંદન આપવાનું યાદ આવ્યું
મુખ્યમંત્રી કાર્યાલયે MSUને અભિનંદન આપતુ ટ્વિટ કર્યા બાદ શિક્ષણમંત્રી જાગૃત થયા અને ટ્વિટ કર્યુ,યુનિવર્સિટીની સિધ્ધિને નજરઅંદાજ કરાતા રોષ
MSU રાજ્યની પ્રથમ MERU યુનિવર્સિટી બની |
યુનિવર્સિટીઓના પરફોર્મન્સના આધારે અપાતા નેક(નેશન એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)ના રેટિંગમાં એમ.એસ.યુનિવર્સિટીએ ૩.૪૩ સીજીપીએ(ક્રાઈટેરિયન વાઈસ ગ્રેડ પોઈન્ટ એવરેજ)સાથે 'એ પ્લસ' રેટિંગ મળ્યુ છે.એમ એસ.યુનિવર્સિટીને માત્ર ૦.૦૭ સીજીપીની ઘટ પડી નહીતર એ ડબલ પ્લસ રેટિંગ મળ્યુ હોત. એમ.એસ.યુનિવર્સિટીએ આ સિધ્ધિ મેળવી હોવા છતાં રાજ્ય સરકારે તેની કોઇ ખાસ નોંધ લીધી નહતી. એમ.એસ.યુનિવર્સિટીને એ પ્લસ રેટિંગ મળ્યાની જાહેરાતના ૨૪ કલાક બાદ મુખ્યમંત્રી કાર્યાલયે આજે સવારે ૧૦.૫૮ મિનિટે ટ્વિટ કરીને અભિનંદન આપ્યા હતા. આશ્ચર્ય તો એ વાતનું હતું કે મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટના એક કલાક બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી જાગ્યા હતા અને એમ.એસ.યુનિવર્સિટીને એ પ્લસ રેટિંગ માટે અભિનંદ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષમાં એમએસયુને ૩.૧૬ સીજીપીએ સાથે એ રેટિંગ મળ્યુ હતુ અને બે વર્ષ પહેલા બી પ્લસ રેટિંગ હતુ.આમ એમએસયુના રેટિંગમાં ઉત્તરોતર સુધારો થયો છે.