વડોદરાના સમાજ કલ્યાણ સંકુલના 24 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
વડોદરાના સમાજ કલ્યાણ સંકુલના 24 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે 1 - image

વડોદરા,તા.06 માર્ચ 2024,બુધવાર

વડોદરાના નિઝામપુરા ખાતેના સમાજ સુરક્ષા સંકુલમાં રહીને અભ્યાસ કરી રહેલા 24 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પણ ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષા આપશે.પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત આ વિદ્યાર્થીઓને રાઈટરની સુવિધા આપવામાં આવી છે. આજે ડીઈઓ કચેરીના અધિકારીઓએ સમાજ સુરક્ષા સંકુલ ખાતે જઈને રાઈટરની મંજૂરી આપવા માટેના કેમ્પનુ આયોજન કર્યુ હતુ અને આ દરેક વિદ્યાર્થીને રાઈટરની ફાળવણી કરી હતી.

સરકારના સામાજિક ન્યાય વિભાગ તેમજ દીપક ફાઉન્ડેશન દ્વારા સમાજ સુરક્ષા સંકુલનુ સંચાલન કરવામાં આવે છે. અહીંયા ચાલતી બ્લાઈન્ડ સ્કૂલમાં હાલમાં 116 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. દર વર્ષે સંખ્યાબંધ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં બેસતા હોય છે. આ વર્ષે 11 વિદ્યાર્થીઓ ધો.10 અને 12 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવાના છે. 

આ તમામ વિદ્યાર્થીઓને સ્વાભાવિક રીતે રાઈટરની જરુર પડવાની છે. જેમને ડીઈઓ કચેરીના ધક્કા ના ખાવા પડે તે માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કચેરી દ્વારા સમાજ સુરક્ષા સંકુલમાં જઈને આજે રાઈટર આપવાની કાર્યવાહી પૂરી પાડવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને સમાજ સુરક્ષા સંકુલની બ્લાઈન્ડ સ્કૂલમાં બ્રેઈલ લિપિના પુસ્તકો તેમજ મોબાઈલ એપ અને કોમ્પ્યુટરની મદદથી ભણાવવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં 10૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષા અહીંથી આપી ચુકયા છે.

- છ વર્ષ બાદ ધો.12ની પરીક્ષા આપવાની તક મળી 

બોર્ડ પરીક્ષા આપવા જઈ રહેલા પિન્ટુ નામના વિદ્યાર્થીને 6 વર્ષ બાદ પરીક્ષા આપવાનો મોકો મળ્યો છે. 2016માં તેણે ધો.10ની પરીક્ષા પાસ કરી હતી. એ પછી તેના પરિવારમાં એક પછી એક સભ્યો બીમારીમાં સપડાતા ગયા હતા અને તેમની સારવારની જવાબદારી તેના પર આવી ગઈ હતી. આર્થિક સ્થિતિ નહીં સારી હોવાથી તે માનસિક રીતે પણ હતાશ થઈ ગયો હતો. આખરે 2023માં તે સમાજ સુરક્ષા સંકુલમાં આવ્યો હતો. અહીંની સ્કૂલમાં તેને શિક્ષણ તેમજ રહેવા સહિતની બીજી સુવિધાઓ મળી હતી. હવે તે ધો.12ની બોર્ડ પરીક્ષા આપશે.

- રેલવે સ્ટેશન પરથી મળી આવેલો આસામનો વિદ્યાર્થી ધો.10ની બોર્ડ પરીક્ષા આપશે

અબ્બાસ નામનો વિદ્યાર્થી 2016માં વડોદરા રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો.તેની વય તે સમયે 11 વર્ષની હતી. સમાજ સુરક્ષા સંકુલમાં તેને રાખવામાં આવ્યો હતો. અહીંની બ્લાઈન્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ હવે તે ધો.10ની પરીક્ષા આપવા માટે તૈયાર છે. આ દરમિયાનમાં તેના પરિવારનો પણ પતો મળ્યો હતો. તેનુ પરિવાર આસામમાં રહે છે. પરીક્ષા બાદ પરિવાર સાથે તેનો મેળાપ થશે.

- સાવ ઓછુ જોઈ શકતા વિદ્યાર્થીને ધો.10ની પરીક્ષા રાઈટર વગર આપવી પડી હતી 

જયેશ અંશતઃ બ્લાઈન્ડ છે. જોકે અગાઉ તે જે સ્કૂલમાં ભણતો હતો ત્યાંના શિક્ષકોને તેને ઓછુ દેખાય છે તે વાતનો ખ્યાલ આવ્યો નહોતો. જેના કારણે તેણે રાઈટર વગર પરીક્ષા આપી હતી. ત્રીજી ટ્રાયલે તેણે ધો.10ની પરીક્ષા પાસ કરી હતી. એ પછી તેને અભ્યાસ માટે કોઈ મદદ નહોતી મળી પણ 2023માં તે સમાજ સુરક્ષા સંકુલના અન્ય એક વિદ્યાર્થી થકી બ્લાઈન્ડ સ્કૂલમાં ભણવા આવ્યો હતો. આ વખતે તે ધો.12ની પરીક્ષા આપશે.


Google NewsGoogle News