વડોદરામાં રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં પાણી ભરવા 237 ટેન્કરો ઠાલવ્યા, હજુ બીજા 100 ટેન્કર ઠલવાશે
Rajiv Gandhi Swimming Pool in Vadodara : વડોદરાના પૂર્વ વિસ્તારમાં રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ છેલ્લા ત્રણ દિવસથી પાણીની ટેન્કરો ઠાલવીને ભરવામાં આવી રહ્યો છે. આજ બપોર સુધી સ્વિમિંગ પૂલમાં પાણીની 237 ટેન્કરો ઠાલવવામાં આવી હતી. સ્વિમિંગ પૂલનું લેવલ હજુ એક ફૂટ ઓછું છે, અને બીજી વધુ 100 જેટલી ટેન્કરો ઠાલવવામાં આવે તેવી શક્યતા છે. ફાયર બ્રિગેડની ટેન્કરો છેલ્લા ત્રણ દિવસથી પાણી લઈને આવ જા સતત કરી રહી છે. પરમ દિવસથી રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં ટેન્કરોથી પાણી નાખવાનું ચાલુ કર્યું હતું. પ્રથમ દિવસે 57 ટેન્કર પાણી નાખ્યું હતું અને ત્યારબાદ ગઈકાલે વધુ 97 ટેન્કર મળી કુલ 154 ટેન્કર દ્વારા સ્વિમિંગ પૂલ ભરવાનો પ્રયાસ કર્યો હતો.
શહેરમાં એક બાજુ પાણીની રામાયણ છે. લોકોને પૂરતું પાણી મળતું નથી અને બીજી બાજુ માત્ર સ્વિમિંગ પૂલ માટે કોર્પોરેશનનું તંત્ર છેલ્લા ત્રણ દિવસથી ટેન્કરો દોડાવી રહી છે તે મુદ્દો ટીકાપાત્ર બન્યો છે. લોકો કહે છે કે જ્યારે પીવાનું અને વાપરવાનું પાણી મળતું ન હોય ત્યારે કોર્પોરેશને આ પ્રમાણે જ લોકોને ટેન્કરો દોડાવીને પાણી આપવું જોઈએ. બીજી બાજુ લાલબાગ સ્વિમિંગ પૂલમાં પણ પાણી ભરવાનું ચાલુ કર્યું છે. ગઈકાલે 20 ટેન્કર પાણી ભર્યા બાદ ટેન્કરથી પાણી નાખવાનું બંધ કર્યું હતું પરંતુ ગઈ રાતથી લાલબાગ ટાંકી થી દક્ષિણ વિસ્તારમાં દંતેશ્વર પાણી પહોંચાડતી લાઈન તોડીને ત્યાંથી લાલબાગ સ્વિમિંગ પૂલમાં પાણી ભરવાનું ચાલુ કર્યું છે. આજ બપોર સુધીમાં અડધો સ્વિમિંગ પૂલ ભરાઈ ગયો હતો અને સાંજ સુધીમાં સ્વિમિંગ પુલ ભરાઈ જશે તેવું લાગે છે. એક બે દિવસમા બંને સ્વિમિંગ પૂલમાં ફિલ્ટરની કામગીરી કર્યા બાદ ચાલુ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. હજુ ત્રણ દિવસ પહેલા જ કમિશનરે શહેરના બંધ હાલતમાં રહેલા ત્રણ સ્વિમિંગ પૂલ ચાલુ કરી દેવા માટે સૂચના આપી હતી, એ પછી સ્વિમિંગ પૂલ ચાલુ કરવા ધમધમાટ શરૂ થયો છે.