આજે વર્લ્ડ વોટર ડેની ઉજવણીઃ શહેરની 23 ટકા જેટલી સ્કૂલોમાં વોટર પ્યોરિફાયરની સુવિધા નથી

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
આજે વર્લ્ડ વોટર ડેની ઉજવણીઃ શહેરની 23 ટકા જેટલી સ્કૂલોમાં વોટર પ્યોરિફાયરની સુવિધા નથી 1 - image

વડોદરાઃ વડોદરાની ૨૩ ટકા સ્કૂલોમાં પીવાના પાણી માટે વોટર પ્યોરિફાયરની સુવિધાઓ નથી તેવુ તારણ એમ.એસ.યુનિવર્સિટીના બિઝનેસ ઈકોનોમિકસ વિભાગના   સંશોધક સુમન સિંઘ બિષ્તના પીએચડી સંશોધનના પગલે બહાર આવ્યુ છે.

સામાન્ય રીતે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ શું ખાય છે અને  તેમણે શું ના ખાવુ જોઈએ તેના પર ઘણી ચર્ચાઓ થતી હોય છે પણ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધાઓ  પર ભાગ્યે જ બહારના લોકોનુ ધ્યાન જતુ હોય છે.જેના પર જ સુમન સિંઘ બિષ્તે વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.જ્યોતિ અચંતાના હાથ નીચે ગત મહિને જ પીએચડી પૂર્ણ કર્યુ છે.

આવતીકાલે, શુક્રવારે વર્લ્ડ વોટર ડે છે ત્યારે આ સંશોધનના તારણો અત્યારની સ્થિતિ સાથે ઘણા પ્રસ્તુત છે.સુમન સિંઘ બિષ્તે વડોદરા શહેરની ૮૦ જેટલી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોની પીવાના પાણીની સુવિધાઓની દરેક સ્કૂલમાં જઈને જાણકારી મેળવી હતી.સ્કૂલોના ૧૫૨ વિદ્યાર્થીઓ અને ૪૭ જેટલા શિક્ષકોના પણ ઈન્ટરવ્યૂ લીધા હતા.

સુમંત બિષ્ત કહે છે કે, સ્કૂલોમાં પીવાના પાણીને લઈને સંચાલકોની જાગૃતિ વધી રહી છે.આમ છતા સંખ્યાબંધ સ્કૂલોમાં પીવાના પાણીના સ્થળની આસપાસ સફાઈની જરુરિયાત મહેસૂસ થઈ હતી.પીવાના પાણીની ટાંકીની સફાઈમાં બ્લિચિંગ પાવડરનો ઉપયોગ થવો જોઈએ.જેનો પણ મોટાભાગની સ્કૂલોમાં અભાવ જોવા મળ્યો હતો.૨૩ ટકા સ્કૂલોમાં પીવાનુ પાણી શુધ્ધ કરવાની કોઈ સુવિધા નથી તે બાબત પર પણ ધ્યાન આપવાની જરુર છે.જ્યાં વોટર પ્યોરિફાયર કે આરઓ છે ત્યાં પણ તેના ફિલ્ટર મોટાભાગે દર ત્રણ કે ચાર મહિના બદલાતા હોય છે.જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખરેખર તો દર મહિને બદલવા જોઈએ અથવા તેની સફાઈ થવી જોઈએ.

બિઝનેસ ઈકોનોમિક્સના પ્રોફેસર અને ગાઈડ ડો.અચંતાનુ કહેવુ છે કે, ઘણી સ્કૂલોમાં એવુ પણ જોવા મળ્યુ છે કે ,સ્કૂલોના શિક્ષકો માટે બહારથી પાણીના જગ મંગાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ સ્કૂલની  ટાંકીમાંથી આવતુ પાણી પીએ છે.જેના કારણવિદ્યાર્થીઓએ સ્કૂલમાં પાણીની સુવિધાને સરેરાશ પાંચમાંથી ૩.૬નુ રેટિંગ આપ્યુ છે તો શિક્ષકોનુ રેટિંગ ચારની આસપાસ થવા જાય છે.ભવિષ્યમાં સ્કૂલો તમામ વિદ્યાર્થીઓ માટે પીવાનુ પાણી બહારથી મંગાવે તો પણ નવાઈ નહી હોય.

૨૩ ટકા સ્કૂલો ગ્રાઉન્ડ વોટર અને ૫૭ ટકા સ્કૂલો ટેન્કરનુ પાણી વાપરે છે

કોર્પોરેશન દ્વારા અપાતુ પાણી સ્કૂલોને પુરુ થઈ રહેતુ નથી એટલે મોટાભાગની સ્કૂલો પાણી માટે બીજા સ્ત્રોત પર પણ આધાર રાખે છે.જેમ કે ૨૩ ટકા સ્કૂલો ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે તો ૫૭ ટકા જેટલી સ્કૂલો ટેન્કરો થકી અને બીજી રીતે પાણી મંગાવે છે.બે સ્કૂલો તો કૂવાના પાણીનો અને એક સ્કૂલ હેન્ડ પંપના પાણીનો ઉપયોગ કરતી હોવાનુ પણ  સંશોધન દરમિયાન જાણવા મળ્યુ હતુ.

કેટલી સ્કૂલોમાં ટાંકીની સફાઈ ક્યારે થાય છે

૨ ટકા સ્કૂલોમાં સપ્તાહમાં એક વખત

૧ ટકા સ્કૂલોમાં ચાર દિવસે એક વખત

૧૭ ટકા સ્કૂલોમાં ત્રણ મહિને એક વખત

૫૮ ટકા સ્કૂલોમાં ૬ મહિને એક વખત

૨૧ ટકા સ્કૂલોમાં ત્રણ મહિને એક વખત

૫૫ ટકા સ્કૂલો પાસે વોટર કૂલર નથી

ઉનાળાની ગરમીમાં આમ તો બે મહિના વેકેશન હોય છે પણ આ સિવાયના સમયમાં પણ વિદ્યાર્થીઓ આકરી ગરમીનો સામનો કરતા હોય છે.આમ છતા ૫૫ ટકા સ્કૂલો પાસે વોટર કૂલર નથી.જે સ્કૂલો પાસે વોટર સ્કૂલ છે તે પૈકી ૪૬ ટકા સ્કૂલો વોટર કૂલર અને આરઓને એટેચ કરીને તેનો ઉપયોગ નથી કરી રહી.

સંશોધનમાં થયેલા સૂચનો

વોટર હાર્વેસ્ટિંગ કરતી સ્કૂલોને વોટર ટેક્સમાં રાહત અપાવી જોઈએ

આરઓ સિસ્ટમ અને કૂલર વસાવવા સ્કૂલોને સબસિડી મળવી જોઈએ

સ્કૂલોમાં વોટર ઓડિટ જરુરી

સ્કૂલોમાં પીવા માટે વપરાતા પાણીનુ નિયમિત રીતે ટેસ્ટિંગ થવુ જોઈએ

સ્કૂલોમાં કોર્પોરેશન દ્વારા પીવાના પાણીનો અન્ય કામ માટે થતો વપરાશ અટકાવવાની જરુર

ફાયર સેફટીની જેમ ડ્રિન્કિંગ વોટર સેફટીના નિયમો લાગુ થવા જોઈએ

પીપીપી ધોરણે સ્કૂલોમાં પીવાના પાણીની સુવિધા પર વિચારી શકાય


Google NewsGoogle News