વડોદરામાં પૂરના પાણીથી રસ્તા એ હદે ધોવાયા કે, 224 મેટ્રિક ટન મટિરિયલ તો ખાડા પૂરવા ફાળવવું પડયું
Vadodara Flooding : વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ ચારે તરફ તબાહી, બરબાદી અને તારાજીના જોવા મળી રહેલા દ્રશ્યો વચ્ચે એક નવી મુસીબત શહેરના ધોવાઈ ગયેલા રસ્તાઓની છે.
વડોદરા કોર્પોરેશનના શાસકો દ્વારા થતા આંખ આડા કાનના કારણે બેફામ બનેલા કોન્ટ્રાક્ટરો મન ફાવે તેવી રીતે હલકા ગુણવત્તાવાળા રોડ બનાવતા હોય છે. શહેરમાં વરસાદની સીઝન શરૂ થઈ ત્યારથી જ ખાડા પડવા માંડયા હતા. ઘણા ખરા રસ્તાઓ શરુઆતના વરસાદમાં પણ ધોવાઈ ગયા હતા અને તેમાં પૂરના પાણીના કારણે તો સ્થિતિ વધારે ખરાબ થઈ છે. કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠનો ભ્રષ્ટ ચહેરો લોકોની સામે આવી રહ્યો છે.
પૂરના પાણી ઓછા થયા બાદ લોકો માટે રસ્તાઓ પર વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે. રસ્તા પર કેટલી હદે ખાડા છે તેનો અંદાજ એ વાતથી આવી શકે છે કે, ખાડા પૂરવા માટે 224 મેટ્રિક ટન વેટ મિક્સ મટિરિયલ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.
આ તો કોર્પોરેશને જાહેર કરેલો સત્તાવાર આંકડો છે. ઉપરાંત ખાડા પૂરવા માટે 38 ટ્રેકટરો, 42 ડમ્પરો અને 150 કર્મચારીઓને કામે લગાવવા પડયા છે. કોર્પોરેશનના કહેવા પ્રમાણે 679 જ મોટા ખાડા શહેરમાં પડયા છે. હકીકતમાં તો આંકડો તેના કરતા ઘણો વધારે છે. જેના કારણે કોર્પોરેશન જે કામગીરી કરી રહ્યું તે પછી પણ શહેરના ઘણા ખરા રસ્તાઓ પર ખાડાઓ હજી પણ યથાવત છે અને લોકોના હાડકા તેમજ વાહનો બંને ખોખરા થઈ રહ્યા છે.