ભણતરનો ઉજાસઃ વડોદરાની બ્લાઈન્ડ સ્કૂલમાં ભણતા 22 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
વડોદરા,તા.07 માર્ચ 2023,મંગળવાર
વડોદરામાં ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષા આપનારાઓમાં 22 પ્રજ્ઞાચક્ષુઓ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. જેમાંથી 12 વિદ્યાર્થીઓ ધો.10 અને નવ વિદ્યાર્થીઓ ધો.12ની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે.
આ વિદ્યાર્થીઓ શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સમાજ સુરક્ષા સંકુલમાં આવેલી બ્લાઈન્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમને પરીક્ષા પહેલા રાઈટરની સુવિધા આપવા માટે આજે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલમાં જ કેમ્પ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમને રાઈટર માટેના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટેની આ સ્કૂલમાં વડોદરા અને વડોદરા બહારના એમ 67 વિદ્યાર્થીઓ ધો.1 થી 12માં અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલનુ સંચાલન ગુજરાત સરકારના સામાજિક અધિકારીતા વિભાગ તેમજ શહેરની સંસ્થા દીપક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ સ્કૂલમાં ભણતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપે છે.
સ્કૂલના આચાર્ય ભરતભાઈ વાયા પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે. ભરતભાઈ અને વાઈસ પ્રિન્સિપાલ સ્નેહા મોદી કહે છે કે, અમારા 22 વિદ્યાર્થીઓને સમા વિસ્તારની નૂતન સ્કૂલે રાઈટર પૂરા પાડયા છે. સાથે સાથે સર્વસમાવેશી શિક્ષણના ભાગરૂપે અમારા વિદ્યાર્થીઓ શહેરના ફતેગંજ વિસ્તારની હિલ મેમોરિયલ સ્કૂલમાં અન્ય નોર્મલ વિદ્યાર્થીઓની સાથે અભ્યાસ પણ કરે છે.
તેમના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને બ્લાઈન્ડ સ્કૂલમાં તો વિશેષ તૈયારી કરાવાય જ છે. ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ ભણવામાં કેવી રીતે કરવો તેના પર પણ અમે ભાર મુકી રહ્યા છે. વિદ્યાર્થીઓેને કોમ્પ્યુટર, ઓનલાઈન ઓડિયો બૂક, મોબાઈલ વગેરેનો ઉપયોગ ભણતર માટે કેવી રીતે કરવો તે પણ અમે શીખવાડીએ છે.
વડોદરાની બ્લાઈન્ડ વિદ્યાર્થિની લેપટોપથી પરીક્ષા આપનાર રાજ્યની પહેલી સ્ટુડન્ટ બનશે
- ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલી વખત વડોદરાની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિની લેપટોપ પર પરીક્ષા આપશે
બ્લાઈન્ડ સ્કૂલમાં ભણતી ધો.10ની વિદ્યાર્થિની એશા મકવાણાને લેપટોપ પર પરીક્ષા આપવા માટે બોર્ડ દ્વારા વિશેષ મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થિનીને રાઈટરની પણ જરૂર નહીં પડે. વિદ્યાર્થિનીને બ્રેઈલ લિપિમાં પ્રશ્નપત્ર આપવામાં આવશે. પ્રશ્નના જવાબ તે લેપટોપ પર જ ટાઈપ કરીને લખશે.
લેપટોપમાં ઈન્સ્ટોલ સોફટવેરના કારણે તે જે પણ શબ્દ ટાઈપ કરશે તે તેને સંભળાશે.આથી તેને સાચો જવાબ લખી રહી છે કે નહીં તેનો ખ્યાલ આવશે. પેપર પુરૂ થયા બાદ સુપરવાઈઝર તેણે લખેલા જવાબોનો પ્રિન્ટઆઉટ લઈને તેને ઉત્તરવહી સાથે એટેચ કરી દેશે. બ્લાઈન્ડ સ્કૂલના આચાર્યે કહ્યુ હતુ કે, ગયા વર્ષે પણ વડોદરામાંથી એક વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષા આપી હતી પણ તે વિદ્યાર્થિની સેન્ટ્રલ બોર્ડની હતી. એશા મકવાણા ગુજરાત બોર્ડની લેપટોપ પર પરીક્ષા આપનાર પહેલી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિની બનશે.
- બ્લાઈન્ડ સ્કૂલનુ છેલ્લા પાંચ વર્ષનુ પરિણામ 100 ટકા
વડોદરાના સમાજ સુરક્ષા સંકુલમાં ચાલતી બ્લાઈન્ડ સ્કૂલના વિદ્યાર્થીઓનુ અત્યાર સુધીનુ બોર્ડ પરીક્ષાનુ પરિણામ 100 ટકા રહ્યુ છે. સ્કૂલના સૂત્રોના કહેવા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી અહીંના વિદ્યાર્થીઓ ધો.10 અને 12ની બરીક્ષા આપે છે. અત્યાર સુધીમાં 60 વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી છે અને તમામ પાસ થયા છે.