જેલના ૨૨કેદીઓ સીસીટીવી સર્વેલન્સ હેઠળ બોર્ડની પરીક્ષા આપશે
ક્વોરન્ટાઇન રૃમમાં બેઠક વ્યવસ્થા ઉભી કરાઇ : અઠવાડિયામાં ત્રણ શિક્ષકો ભણાવવા આવતા હતા
વડોદરા,વડોદરા સેન્ટ્રલ જેલમાં ૨૨ કેદીઓ ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા આપશે.તેના માટે જેલ સત્તાધીશો દ્વારા એક અલાયદો રૃમ તૈયાર કરવામાં આવશે.
આગામી માર્ચ મહિનામાં ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષા યોજાવાની છે. જેલમાં કાચા અને પાકા કામના કેદીઓનો સુધારણા કાર્યક્રમ ચાલતા રહે છે. વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત કેદીઓ માટે જેલના અધિકારીઓ દ્વારા યોજવામાં આવતી હોય છે. જે કેદીઓ જેલમાં રહીને અભ્યાસ કરવા માંગતા હોય તેવા કેદીઓ માટે શિક્ષણની પણ સુવિધા કરવામાં આવે છે. તે માટેનું મટિરિયલ કેદીઓને પૂરૃં પાડવામાં આવે છે. તદુપરાંત, શિક્ષકો દ્વારા પણ માર્ગદર્શન અપાય છે. આગામી માર્ચ મહિનામાં યોજાનારી ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા માટે પણ જેલમાં તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. જેલના ક્વોરન્ટાઇન રૃમમાં કેદીઓ માટે બેઠક વ્યવસ્થા સીસીટીવી સર્વેલન્સ હેઠળ કરવામાં આવશે.
જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, અઠવાડિયામાં બે વખત ત્રણ શિક્ષકો ગણિત, સોશિયલ સ્ટડીઝ તથા અંગ્રેજી શીખવવા માટે ડી.ઇ.ઓ. કચેરીમાંથી આવતા હતા. તેઓ દ્વારા કેદીઓને શિક્ષણ આપવામાં આવતું હતું.