વડોદરાના સયાજી બાગમાં હાથી અને ડાયનોસોરના 22 ફૂટ ઊંચા સ્ટેચ્યુ ટૂંક સમયમાં મુકાશે
- હાથીની સૂંઢ અને ડાયનાસોરની ડોક હલનચલન કરશે
- હાલ સયાજી બાગનું 1.80 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટનું કામ ચાલુ
વડોદરા,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઐતિહાસિક અને સૌથી મોટા સયાજી બાગને વિકસિત કરવાનું કામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ હાથ પર લેવાયું છે. 113 એકરમાં પથરાયેલા આ ગાર્ડન આશરે 145 વર્ષ પૂર્વે મહારાજાએ વડોદરા શહેરની ભેટમાં આપેલો હતો, ત્યારથી આ ગાર્ડનમાં અવનવા આકર્ષણ ઉમેરાતા જાય છે. હાલ કોર્પોરેશન દ્વારા 1.80 કરોડના ખર્ચે જુદા જુદા કામો હાથ પર લેવામાં આવ્યા છે. જેમાં પ્રવેશદ્વારને નવેસરથી સજાવાયો છે, પ્રવેશ દ્વાર પર આર્ક મૂકીને તેના પર સયાજી ગાર્ડન લખવામાં આવ્યું છે. અંદર પણ કેટલીક ડેકોરેટિવ આર્ક મૂકવામાં આવી છે. આ ઉપરાંત વોક વે આર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, રેલવે સ્ટેશન, ગ્લો ગાર્ડન, ડો.બાબા સાહેબ આંબેડકર મેડીટેશન સ્પોટ પુનઃનિર્માણ, માહિતી કેન્દ્ર, સોલર સિસ્ટમ સાથે ફ્લાવર ક્લોકને નવું રૂપ, સાયન્સ પાર્ક, ફાઉન્ટેન એન્ડ બ્રિજ લાઈટનિંગ, દિશા સૂચક પોલ ,બામ્બુ કેનપી અને ભૂલભૂલૈયાનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોમાં આકર્ષણ ઊભું કરવા માટે લાઈફ સાઈઝના હાથી અને ડાયનોસોરના સ્ટેચ્યુ મૂકવામાં આવશે. આ સ્ટેચ્યુ 22 ફૂટ ઊંચા હશે અને તેના અમુક ભાગ મુવેબલ હશે, એટલે કે હાથીની સૂંઢ હાલક ડોલક થતી રહેશે, જેમાંથી હાથી બોલે તેવો અવાજ સંભળાશે. ડાયનાસોરની ડોક પણ હલનચલન કરશે. હાલ આ બંને વસ્તુ પુનામાં તૈયાર થઈ રહી છે. થોડા વખત પછી તૈયાર થયા બાદ બાગમાં પ્રસ્થાપિત કરાશે.
આ ઉપરાંત બાળકોમાં ભૂલભૂલૈયાનું આકર્ષણ રહેશે. હજુ તાજેતરમાં જ સયાજી બાગ કે જે કમાટીબાગ તરીકે પણ ઓળખાય છે તેના 145 માં સ્થાપના દિન નિમિત્તે કેકટસ પાર્ક અને બોનસાઈ પાર્કનું ઉદઘાટન કરવામાં આવેલું છે. કેકટસ પાર્ક કમાટી બાગમાં બેન્ડ સ્ટેન્ડ પાસે બનાવાયો છે, જ્યારે બોનસાઈ પાર્ક સફેદ બંગલા પાસે આવેલા પ્લોટમાં તૈયાર કરાયો છે. કેકટસ પાર્કમાં 143 પ્રકારની વેરાઈટી મૂકવામાં આવી છે, જ્યારે બોનસાઈ પાર્કમાં 31 બોનસાઈ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.