કારના બોનેટ તથા બોડીમાં સંતાડેલી દારૃની ૨૦૮ બોટલ કબજે
દારૃની બોટલ તૂટી ના જાય તે માટે ઉનના મોજા ચઢાવી દીધા હતા
વડોદરા,કારના બોનેટ તથા પાછળના ટાયરની પાછળ બોડીમાં સંતાડેલી વિદેશી દારૃની ૨૦૮ બોટલ પોલીસે કબજે કરી બે આરોપીઓેને ઝડપી પાડયા છે. દારૃની બોટલો તૂટી ના જાય તે માટે આરોપીઓએ બોટલ પર ઉનના મોજા ચઢાવી દીધા હતા.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, કરોડિયા રોડ ખાતે રહેતો મોહનસિંગ રણવીરસિંગ શેખાવત કારમાં વિદેશી દારૃ લાવીને હેરાફેરી કરે છે. કારમાં આગળ બોનેટ તથા પાછળની લાઇટના પડખામાં વિદેશી દારૃ સંતાડેલો છે. છાણી જકાત નાકા રામા કાકાની ડેરી પાસે અમીત મધુસૂદન અમીનના ખેતર પાસે ખુલ્લી જગ્યામાં ગાડી ઉભી રાખી ગાડીમાં સંતાડેલો દારૃ મોહનસિંગ તથા ચિરાગ રાવળ ગાડીમાંથી દારૃ બહાર કાઢી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી સગેવગે કરી રહ્યા છે. જેથી, પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી. કારમાં બોનેટ તથા પાછળના વ્હીલની પાછળ સંતાડેલી વિદેશી દારૃની ૨૦૮ બોટલ કિંમત રૃપિયા ૧.૩૭ લાખની પોલીસે કબજે કરી હતી. પોલીસે દારૃની બોટલો, રોકડા, ત્રણ મોબાઇલ ફોન, કાર અને સ્કૂટર મળીને કુલ રૃપિયા ૭.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મોહનસિંગ રણવીરસિંગ શેખાવત ( રહે. અમરનાથ ટેનામેન્ટ, કરોડિયા બાજવા રોડ) તથા ચિરાગ શૈલેશભાઇ રાવળ (રહે. વ્રજભૂમિ સોસાયટી, લક્ષ્મીપુરા રોડ, ગોરવા) ને ઝડપી પાડયા હતા. મોહનસિંગ સામે અગાઉ ૧૨ ગુનાઓ નોંધાયા છે. જ્યારે દારૃ સપ્લાય કરનાર સોની નામના વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.