વિષય પસંદગીના અભાવે એફવાયના 2000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નહીં બેસી શકે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં એફવાયની ઈન્ટરનલ પરીક્ષાનો તા.૧૪ ઓકટોબરથી પ્રારંભ થવાનો છે.લગભગ ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ વિષય પસંદગીના અભાવે આ પરીક્ષામાં ના બેસી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
એફવાયના વિદ્યાર્થીઓએ વૈકલ્પિક વિષયની પસંદગી કરવાની હોય છે.જ્યાં સુધી વિદ્યાર્થીઓ વિષય પસંદ ના કરે ત્યાં સુધી પરીક્ષા માટે તેમનો બેઠક નંબર ઓનલાઈન સિસ્ટમમાં જનરેટ થતો નથી અને બેઠક નંબર વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેમ નથી.મળતી વિગતો પ્રમાણે ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ એફવાયની ઈન્ટરનલ પરીક્ષા આપવાના છે.આ પૈકી ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઈન્ડિયન નોલેજ સિસ્ટમના વિષયની પસંદગી કરવામાં આવી નથી.સત્તાધીશોએ તેમને તા.૧૦ ઓકટોબર સુધીનો સમય આપ્યો છે.વિદ્યાર્થીઓ પોતાના સ્ટુડન્ટ એકાઉન્ટ થકી ઓનલાઈન વિષય પસંદ કરી શકશે.જે વિદ્યાર્થીઓએ વિષય પસંદ નહીં કર્યા હોય તેમને પરીક્ષામાં નહીં બેસવા દેવાય.
સૂત્રોનું કહેવું છે કે, દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે.ખરેખર તો સત્તાધીશોએ વિદ્યાર્થીઓ ફી ભરે ત્યારે જ વિષય પસંદગી કરાવવી જોઈએ પણ કોમર્સ ફેકલ્ટીના દીશા શૂન્ય બની ગયેલા વહીવટમાં આ એક નાનકડી બાબત પર પણ સત્તાધીશો ધ્યાન આપતા નથી. દર વર્ષે પરીક્ષા પહેલા આ સમસ્યા સર્જાય છે.
ઉલ્લેખનીય છે કે, કોમર્સ ફેકલ્ટીએ આ વર્ષથી નવી શિક્ષણ નીતિના ભાગરુપે દરેક સેમેસ્ટરમાં ત્રણ ઈન્ટરનલ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.જેમાં બે પરીક્ષા૧૫-૧૫ માર્કની અને એક પરીક્ષા ૨૦ માર્કની હશે.જ્યારે ફાઈનલ એટલે કે એન્ડ સેમેસ્ટર પરીક્ષા ૫૦ માર્કની રહેશે.એફવાયના વિદ્યાર્થીઓની બીજી ઈન્ટરનલ પરીક્ષા નવેમ્બરમાં લેવાય તેવી શક્યતા છે.