ગુજરાત સરકારના બજેટમાં મધ્ય ગુજરાતના વિવિધ પ્રોજેકટો માટે ૨૦૦૦ કરોડ ઉપરાંતની જોગવાઈ
વડોદરાઃ ગુજરાત સરકારનુ ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષનુ બજેટ આજે વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતુ.જેમાં મધ્ય ગુજરાતની વિવિધ યોજનાઓ માટે ૨૦૦૦ કરોડ રુપિયા કરતા વધારે રકમની ફાળવણી કરવામાં આવી છે.
બજેટમાં કરાયેલી જાહેરાત અનુસાર મધ્ય ગુજરાતમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા પહેલા અને બીજા તબક્કાના રસ્તા માટે હાલમાં જે કામગીરી ચાલી રહી છે તેમાં બીજા ૧૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
ગુજરાતની ટુરિસ્ટ સર્કિટને જોડતા ૧૭ રસ્તાઓના વિકાસ માટે સરકારે ૫૨૬ કરોડ રુપિયા ફાળવ્યા છે અને તેમાં શિવરાજપુર, જાંબુઘોડા અને પાવાગઢને જોડતા રસ્તાનો પણ સમાવેશ થયો છે.
ભરુચ દહેજને જોડતા રસ્તા પર ભોળાવ જંકશનથી શ્રવણ જંકશન સુધીના સિક્સ લેન રોડની કામગીરી પ્રગતિ હેઠળ છે અને આ રોડ માટે ૪૨૦ કરોડની રકમ ફાળવાયેલી છે.
પોઈચા ગામ ખાતે મહી નદી પર વિયર બનાવવાનુ આયોજન છે અને આ માટે ૧૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
પંચમહાલ જિલ્લાની પાનમ જળાશય આધારિત યોજનાની પાઈપ લાઈન નાંખવા માટે ૯૬ કરોડ તેમજ આ જ યોજનામાં વાંકડી ગામથી સંતરામપુરા તાલુકાના તળાવોની સિંચાઈ યોજનાઓ માટે ૮૦ કરોડની તેમજ મહિસાગર જિલ્લાના કડાણા જળાશય આધારીત સિંચાઈ યોજના માટે ૩૫ કરોડની જોગવાઈ
પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે ત્રીજા અને ચોથા તબક્કામાં ૨૩૮ કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડાતળાવ ખાતે યાત્રિકો માટે સુવિધાઓ ઉભી કરવાનુ આયોજન
ભરુચ જિલ્લાના ભાડબૂત ગામ પાસે નર્મદા નદી પર બેરેજ બનાવવામાં આવી રહ્યો છે.આ પ્રોજેકટ માટે ૧૧૬૭ કરોડની જોગવાઈ છે
વડોદરા માટે ટ્રાફિક પોલીસની જગ્યાઓ સિવાય બજેટમાં સીધી કોઈ જોગવાઈ નહીં
વડોદરા શહેરની વાત કરવામાં આવે તો બજેટમાં વડોદરા શહેર માટે કોઈ નવા પ્રોજેક્ટ માટે સીધી રીતે કોઈ નવી રકમની ફાળવણી કરવામાં આવી નથી.માત્ર વડોદરા સહિત ચાર મહાનગરોમાં ટ્રાફિક પોલીસની ૧૦૦૦ જેટલી જગ્યાઓ ઉભી કરવામાં આવશે તેવી જાહેરાત થઈ છે.આમ વડોદરાને ટ્રાફિક પોલીસની કેટલીક નવી જગ્યાઓ મળશે.