વડોદરામાં નવરાત્રી - દશેરાના મુહૂર્તમાં 200 કરોડના વાહનોનું વેચાણ થયું
4000થી વધુ ટુ વ્હિલર અને બીએમડબલ્યુ, ઓડી અને મર્સિડિઝ સહિત 2375 કારનું એક દિવસમાં જ વેચાણ થયું
વડોદરા : નવરાત્રીના નવ દિવસ અને દશેરાના દિવસે વાહન ખરીદીનું મહત્વ છે જેને અનુલક્ષીને વડોદરામાં આ ૧૦ દિવસમાં રૃ.૨૦૦ કરોડથી વધુના વાહનોની ખરીદી થઇ છે. ગત વર્ષે આ દિવસોમાં ૧૭૦ કરોડના વાહનો વેચાયા હતા જે દ્રષ્ટીએ આ વર્ષે નવરાત્રી-દશેરામાં વાહનોના વેચાણમાં ૧૫ ટકાનો વધારો નોંધાયો છે.
હિન્દુ શાસ્ત્રોમાં વાહનોને પ્રગતિનું કારક માનવમાં આવ્યુ છે એટલે તેની ખરીદીમાં વિશેષ મુહૂર્ત જોવામાં આવે છે. આમ તો આખા વર્ષમાં વાહન ખરીદીના અનેક મુહૂર્ત આવતા હોય છે. નવરાત્રીના નવ દિવસો શુભ મનાય છે તો દશેરાના દિવસે જ ભગવાના રામે રાવણનો વધ કર્યો હતો તો માં દુર્ગાએ મહિષાસૂરને હણ્યો હતો એટલે દશેરાનો દિવસ વિજય મુહૂર્ત તરીકે ઓળખાય છે એટલે આ દિવસોમાં મકાન અને વાહનોની ખરીદી કરે છે. દશેરાના દિવસે વાહનો અને શસ્ત્રો ખરીદવા ઉપરાંત વાહનો અને શસ્ત્રોનું પુજન પણ કરવામાં આવે છે.
નવરાત્રી અને દશેરાના પવિત્ર મુહૂર્તમાં વડોદરામાં ૪,૦૦૦થી વધુ ટુ વ્હિલર ઉપરાંત ૩ ઓડી, ૭ મર્સિડીઝ અને ૧૫ બીએમડબલ્યુ સહિત ૨,૩૭૫ કારનું વેચાણ થયુ હતુ તો ૧૦ ઓટો રિક્ષા, બે બસ અને બે ટ્રકની પણ આજે વિજય મહૂર્તમાં ખરીદી થઇ હતી જેના પગલે આરટીઓને પણ રૃ.૧૨ કરોડ ટેક્સની આવક થઇ છે.