Get The App

વિદેશ મોકલવાના નામે ઠગાઇ કરનાર વાસણારોડના ઇમિગ્રેશન કન્સલટન્ટની જાળમાં 200 ફસાયા

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
વિદેશ મોકલવાના નામે ઠગાઇ કરનાર   વાસણારોડના ઇમિગ્રેશન કન્સલટન્ટની જાળમાં 200 ફસાયા 1 - image

વડોદરાઃ વિદેશ મોકલવાના નામે અનેક શહેરોમાં ઠગાઇ કરનાર વાસણારોડના કન્સલટન્ટ ભાવેશ ચૌહાણની રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે બીજીતરફ ભોગ બનેલાઓની સંખ્યા વધી રહી છે.રૃપિયા ગુમાવનારાઓએ આ સંખ્યા ૨૦૦ થી વધુ હોવાનો અને તેમણે આશરે રૃ.૩ કરોડ થી વધુ રકમ ગુમાવી હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી છે.

પ્રતાપનગરનાર ગૌરવ પંચાલે પોલેન્ડ જવા માટે  વાસણારોડના ક્લાસિક કોમ્પ્લેક્સ ખાતે ક્રિયા ઓવરસીઝ નામની ઓફિસ ધરાવતા ભાવેશ ચૌહાણ નામના  ઇમિગ્રેશન કન્સલન્ટ પાસે રૃ.૧ લાખ ગુમાવતાં પોલીસ ફરિયાદ કરી હતી.તેની ફરિયાદમાં તાંદલજાના વકાર પટેલે રૃ.૧ લાખ અને ડભોઇ રોડના નિખિલ રાજપુતે રૃ.૧.૨૫લાખ ગુમાવ્યા હોવાની વિગતો જણાવાઇ હતી.

જેથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવરે ટીમ મારફતે ભાવેશ ચૌહાણ પર વોચ રાખી તેને સુરત ખાતેથી કારમાં ઝડપી પાડયો હતો. રિમાન્ડ પર લેવાયેલા ભાવેશ ચૌહાણની વિવિધ શહેરોમાં અગાઉ પાંચ ગુનાઓમાં ધરપકડ થઇ હોવાની અને હજી છ ગુનામાં વોન્ટેડ હોવાની વિગતો બહાર આવી હતી.

દરમિયાનમાં  ભાવેશ ચૌહાણની જાળમાં ફસાયેલા લોકો ક્રાઇમ બ્રાન્ચમાં રજૂઆત કરવા આવી રહ્યા છે.ભોગ બનેલાઓએ એવો આક્ષેપ કર્યો છે કે,ભાવેશે અનેક લોકોને ફસાવ્યા છે અને આ સંખ્યા ૨૦૦થી વધુ થઇ રહી છે.જેથી પોલીસે આ મુદ્દે વધુ પૂછપરછ કરી પુરાવા મેળવવા તજવીજ હાથ ધરી છે. 


Google NewsGoogle News