હરણી બોટકાંડની ઇફેક્ટઃયાત્રાધામ ચાંદોદ-કરનાળીમાં 200 બોટ બંધ,13 વર્ષથી લાયસન્સ આપ્યું નથી
વડોદરાઃ વડોદરાના હરણી તળાવમાં બનેલી ગોઝારી બોટ દુર્ઘટનાને પગલે નર્મદા નદીના યાત્રાધામોમાં બોટ બંધ કરાવી દેતાં ૨૦૦ થી વધુ નાવિકોના પરિવારો અટવાયા છે.
હરણીની બોટ દુર્ઘટનાને પગલે જાગેલા વહીવટીતંત્રએ વડોદરા જિલ્લાના યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે નર્મદા નદીમાં હોડીઓ બંધ કરાવી દીધી છે.જેને પગલે ૨૦૦ થી વધુ પરિવારોની રોજી પર અસર થઇ છે.
અનેક લોકોના જીવ બચાવનાર નાવિકોનું કહેવું છે કે,હરણીના બનાવ બાદ અમે બોટમાં લાઇફ સેવિંગ જેકેટ સહિતના સુરક્ષાના સાધનો વસાવ્યા છે.ત્યારપછી પણ સુરક્ષાની બીજી શરતોનું પાલન કરવા તૈયાર છીએ. ભરૃચ કસ્ટમ વિભાગ અને વડોદરાના મત્સ્ય વિભાગ સહિતના વિભાગોમાં લાયસન્સ માટે ધક્કા પણ ખાઇ રહ્યા છીએ.પરંતુ છેલ્લા ૧૩ વર્ષથી લાયસન્સ મળતું જ નથી.
તો બીજીતરફ ઉપરોકત યાત્રાધામ ખાતે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોવાથી હોડીના અભાવે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.તંત્ર દ્વારા ભાવિકોની તકલીફોનો ઉકેલ લાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચાંદોદમાં આંશિક મંજૂરી,5-6 મુસાફરોને જ બોટમાં એન્ટ્રી
ધાર્મિક વિધિ કે અસ્થિ વિસર્જન માટે આવતા લોકોને અનુલક્ષીને ચાંદોદમાં બોટને આંશિક મંજૂરી આપવામાં આવી છે.
અગાઉ જે બોટમાં ૩૦ થી ૪૦ જેટલા લોકોને બેસાડતા હતા તે બોટમાં હવે પ થી ૬ લોકોને બેસાડીને લઇ જવામાં આવે છે.જેને કારણે વિધિ માટે આવતા લોકોને રાહત મળી છે.
તો બીજીતરફ નાવિકો જે બોટમાં અગાઉ ૩૦ થી ૪૦ લોકોને બેસાડતા હતા તે બોટમાં હવે પ કે ૬ થી વધુ ને બેસાડતા નથી અને લાઇફ સેવિંગ જેકેટ પણ રાખતા થયા છે.જો કે,અગાઉ વ્યક્તિ દીઠ રૃ.૨૦ કે ૩૦ લેવાતા હતા તેને બદલે હવે વ્યક્તિ દીઠ રૃ.૧૦૦ જેટલી રકમ વસૂલવામાં આવી રહી છે.કરનાળીમાં પણ નાવિકો આવી રીતે મંજૂરીની આશા રાખી રહ્યા છે.