લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના પાસના નામે ૨૦ યુવકો સાથે છેતરપિંડી
ભેજાબાજે ૩.૬૦ લાખ પડાવી લીધા : તપાસ દરમિયાન આંકડો વધે તેવી શક્યતા
વડોદરા,લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના પાસ આપવાનું કહી ભેજાબાજે એન્જિનિયરીંગના વિદ્યાર્થી સહિત ૨૦ લોકો પાસેથી ૩.૬૦ લાખ પડાવી લીધા હતા.
વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર રહેતો જય જયસ્વાલ કોમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. તેણે કપુરાઇ પોલીસને જણાવ્યું છે કે, મારે લક્ષ્મી વિલાસ પેલેસના પાસ લેવાના હોઇ મારા મિત્ર મારફતે એક યુવકને પૈસાની ચૂકવણી કરી હતી. મેં ૭ પાસ માટે ૨૧,૪૦૦ રૃપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ હું તેની જોડે રોજ વાત કરતો હતો. તે એવું કહેતો હતો કે, તમારા પાસ આવી જશે. જો પાસ નહીં આવે તો તમારા પૈસા પરત કરી દઇશું. પરંતુ, હવે તેનો સંપર્ક થઇ રહ્યો નથી. તેનો મોબાઇલ ફોન બંધ આવે છે. તે વ્યક્તિનો સંપર્ક કરાવનારને અમે મળ્યા ત્યારે જાણ થઇ કે, ભેજાબાજે આ રીતે અન્ય ૨૦ લોકો સાથે પણ છેતરપિંડી કરી ૩.૬૦ લાખ પડાવી લીધા છે. તેઓએ ગોરવા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન ભોગ બનનારની સંખ્યા વધે તેમ છે.