સાત વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર પિતરાઇ ભાઇને ૨૦ વર્ષની સખત કેદ
કેસના ટ્રાયલ દરમિયાન ભોગ બનનાર અને તેના માતા - પિતા હોસ્ટાઇલ જાહેર થયા
વડોદરા,શહેર નજીકના એક ગામે સાત વર્ષીય બાળકીને ચોકલેટ આપવાના બહાને લઇ જઇ બળાત્કાર ગુજારનાર હવસખોર પિતરાઇ ભાઇને અદાલતે કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા કરી છે. ઉલ્લેખનીય છે કે, કેસના ટ્રાયલ દરમિયાન ભોગ બનનાર અને તેના માતા - પિતા હોસ્ટાઇલ જાહેર થયા હતા.
બનાવની વિગત એવી છે કે, શહેર નજીકના એક ગામમાં રહેતી ૭ વર્ષની બાળકી ગત તા. ૦૮ - ૦૪ - ૨૦૨૨ ના રોજ ઘરથી થોડે દૂર મહુડા વીણવા માટે ગઇ હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતો તેનો પિતરાઇ ભાઇ બાળકીને તને બીજે મહુડો વીણવા લઇ જઉં તેવું કહીને પોતાની સાથે લઇ ગયો હતો. થોડે દૂર ગયા પછી પિતરાઇ ભાઇએ બાળકીનો હાથ પકડી લીધો હતો અને તને ચોકલેટ અપાવું તેવું કહીને દૂર લઇ ગયો હતો. ત્યાં જઇને તેણે બાળકીને જમીન પર સુવડાવી દઇ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ગભરાઇ ગયેલી બાળકી કપડા પહેરી ત્યાંથી ભાગીને ઘરે જતી રહી હતી. બાળકી એટલી હદે ગભરાઇ ગઇ હતી કે, માતાએ મોડા આવવાનું કારણ પૂછતા તે ખાટલા નીચે સંતાઇ ગઇ હતી. માતાએ તેને પ્રેમપૂર્વક સમજાવી બહાર કાઢી પૂછતા બાળકીએ માતા સમક્ષ કેફિયત વર્ણવી હતી.
આ અંગે જવાહર નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ અત્રેની કોર્ટમાં ચાલી ગયો હતો. ટ્રાયલ દરમિયાન ભોગ બનનાર બાળકી અને તેના માતા - પિતો હોસ્ટાઇલ થયા હતા. કોર્ટે નોંધ્યું હતું કે,પરંતુ, ભોગ બનનારના સીઆરપીસી ૧૬૪ મુજબના નિવેદનમાં આરોપી વિરૃદ્ધની હકીકતો જણાવે છે. તેમજ મેડિકલ એવિડન્સ પણ આરોપી વિરૃદ્ધનો છે.એફ.એસ.એલ.ના પુરાવાથી બનાવને સમર્થન મળે છે.
સરકારી વકીલ આર.એસ.ચૌહાણની રજૂઆતો અને પુરાવાઓના મૂલ્યાંકન પછી સ્પેશ્યલ પોક્સો જજ પ્રિયંકા અગ્રવાલ દ્વારા આરોપીને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ તથા ૧૦ હજારના દંડની સજા કરી છે. તેમજ વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ મુજબ છ લાખ વિક્ટિમ કમ્પન્સેશન ફંડમાંથી ચૂકવવા માટે ડી.એલ.એસ.એ.ને યાદી કરવા જણાવ્યું છે. આ રકમનો ભોગ બનનારને વેલફેર અને રિહેબ્રિટેશનમાં ઉપયોગ થાય. કારણકે આ કેસમાં માતા - પિતા હોસ્ટાઇલ થયા છે. જેથી, માત્ર અને માત્ર ભોગ બનનારના સારા ભવિષ્ય માટે તેનો ઉપયોગ થાય તેનું મોનિટરીંગ કરવા ડી.એલ.એસ.એ.ને જણાવ્યું છે.
આરોપીએ પ્રોસિક્યૂશન વિટનેશને વીન ઓવર કરી લીધા છે
વડોદરા,કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે, આરોપીના વકીલ ફરિયાદીને લઇને કોર્ટમાં હાજર થયા છે. ભોગ બનનારે પણ પુરાવામાં જણાવ્યું છે કે, હું મારી મમ્મી અને મોટી બા ( આરોપીની માતા) સાથે આવેલી છે. જેથી, સાબિત થાય છે કે, આરોપીએ પ્રોકિસ્યૂશન વિટનેશને વીન ઓવર કરી લીધા છે.