સગીરાને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ
સેક્ટર-૧૩માંથી બે વર્ષ અગાઉ અપહરણ કરીને
આરોપીને ૧૫ હજારનો દંડ : સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ
ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર ૧૩માંથી સગીરાનું અપહરણ કરીને તેને હોટલમાં લઈ જઈ બે વખત બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર ૧૩ ખાતે
પ્લોટ નંબર ૨૭૮/૧માં રહેતા યુવાન જયેશ મહેન્દ્રભાઈ રાઠોડ દ્વારા ગત ૩૦ ઓગસ્ટ
૨૦૨૨ના રોજ સેક્ટર ૧૩ લીમ્બચ માતાના મંદિર પાસેથી સગીરાનુ અપહરણ કરીને તેને
પેથાપુર મહુડી હાઇવે ઉપર આવેલી હોટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેણીને જાનથી
મારી નાખવાની ધમકી આપીને બે વખત દુષ્કૃત્ય આચારવામાં આવ્યું હતું. જે સંદર્ભે
સેક્ટર ૭ પોલીસ મથકમાં યુવાન સામે પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.ડી મહેતાની
કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા
અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર
દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો
છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને કાયદામાં
દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને
ગ્રાહ્ય રાખીને આરોપી જયેશ મહેન્દ્રભાઈ રાઠોડને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ
હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૧૫ હજાર રૃપિયાનો દંડ પણ
ફટકારવામાં આવ્યો છે. જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને સગીરાને ચાર લાખ
રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.