દિવ્યાંગ સગીરા ઉપર બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા
ગાંધીનગરના જીઇબી પાસે બે વર્ષ અગાઉ
ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો : આરોપીને ૧૦ હજારનો દંડ : સગીરાને છ લાખ રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ
ગાંધીનગર : ગાંધીનગરના જીઇબી પાસે બે વર્ષ અગાઉ માનસિક દિવ્યાંગ સગીરા ઉપર બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક જીઇબી પાસે શ્રમજીવી વસાહતમાં રહેતી માનસિક દિવ્યાંગ સગીરાને ગત ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ નજીકમાં રહેતો અને મૂળ વાગડ ગામનો ઇન્દુ ઉર્ફે બોબી મનુભાઈ વાઘેલા તેના બાથરૃમ આગળથી ખેંચીને ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે સગીરાની માતા દ્વારા ગાંધીનગરના સેક્ટર ૨૧ પોલીસ મથકમાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી ઇન્દુ ઉર્ફે બોબી મનુભાઈ વાઘેલાને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૧૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને સગીરાને છ લાખ રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.