૧૩ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ
વિક્ટીમ કમ્પન્સેશન ફંડમાંથી ૬ લાખ ચૂકવવા ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરિટીને યાદી કરવા હુકમ
વડોદરા,૧૩ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જઇ શારીરિક સંબંધ બાંધનાર આરોપીને અદાલતે કસુરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદ કરી છે. તેમજ ભોગ બનનારને વિક્ટીમ કમ્પન્સેશન ફંડમાંથી ૬ લાખ ચૂકવવા ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરિટીને યાદી કરવા કહ્યું છે.
ગોરવા પંચવટી કેનાલ પાસે રહેતો આરોપી સુરપાલ ઉર્ફે અપ્પુ રાકેશભાઇ કોળી પટેલ ગત તા. ૧૪- ૦૪ - ૨૦૨૨ ના રોજ સવારે સાડા ચાર વાગ્યે ૧૩ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ઘરેથી ભગાડી ગયો હતો. ત્યારબાદ ડભોઇ ધરમપુરી ગામની સીમ પાસે આવેલા વડજ ગામની સીમમાં ખેતરમાં તેની સાથે શરીરી સંબંધ બાંધ્યો હતો. જે અંગે કિશોરીના પિતાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની અટક કરી હતી. આ કેસ અત્રેની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ રામસિંહ ચૌહાણની રજૂઆતો, પુરાવાઓને ધ્યાને લઇ સ્પેશ્યલ પોક્સો જજ પ્રિયંકા અગ્રવાલે આરોપીને ૨૦ વર્ષની સખત કેદ કરી છે.
અદાલતે નોંધ્યું હતું કે, ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કીમ ૨૦૧૯ ની જોગવાઇ ધ્યાને લેતા રેપ સેક્સ્યુઅલ એસોલ્ટમાં મિનીમમ એટલેકે ઓછામાં ઓછું કમ્પન્સેશન ૪ લાખ ચૂકવવા નિર્દેશ કર્યો છે. જેથી, હાલના કેસમાં બનાવ સમયે ભોગ બનનારની ઉંમર ૧૬ વર્ષ કરતા ઓછી હોવાનું પુરવાર થયેલું છે. બનાવ બાદ ભોગ બનનાર આગળ અભ્યાસ કરી શકી નથી. તેને માનસિક ક્ષતિ થઇ હોય તેવું માની શકાય તેમ છે. સ્કીમનો હેતુ ધ્યાને રાખી ભોગ બનનારને દોઢી રકમનું વળતર એટલેકે, છ લાખ આપવું યોગ્ય અને ન્યાયી જણાય છે.