સગીરાને ઘરે બોલાવી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા
ગાંધીનગર નજીક આવેલા આલમપુરમાં એક વર્ષ અગાઉ
ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો : આરોપીને ૧૦
હજારનો દંડ : સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ
ગાંધીનગર : ગાંધીનગરના આલમપુર ગામ ખાતે એક વર્ષ અગાઉ સગીરાને ઘરે બોલાવીને અવારનવાર બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા
આલમપુર ગામ ખાતે રહેતા લંબુબાપા ઉર્ફે વિજય ઉર્ફે ભીખાભાઈ કાળાભાઈ સોલંકી દ્વારા
ગત આઠ જુલાઈ ૨૦૨૩ના રોજ સગીરાને દૂધ લેવા માટે મોકલીને તેને ઘરે બોલાવી ઘરમાં
બેસવાનું કહી હાથ પકડીને બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ કોઈને કહીશ તો મારી
નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ સગીરા તેના ઘરે ગઈ હતી અને માતા-પિતાને હકીકત
કહેતા તેમના માથે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ હતી. જે સંદર્ભે ચીલોડા પોલીસ
મથકમાં આરોપી સામે પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરની
સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં
ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય
સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર
દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં
આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને કાયદામાં
દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને
ગ્રાહ્ય રાખીને આરોપી લંબુબાપા ઉર્ફે વિજય ઉર્ફે ભીખાભાઈ કાળાભાઈ સોલંકીને
બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને
૧૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા
મંડળને સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.