સગીરાને ભગાડી જઇ શારીરિક સંબંધ બાંધનારને ૨૦ વર્ષની કેદ
સગીરાને લઇ ડાકોર ખંભાત વગેરે સ્થળે રોકાયો હતો
વડોદરા,સગીરાને ભગાડી જઇ શારીરિક સંબંધ બાંધનાર યુવકને અદાલતે કસુરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદ કરી છે.
સગીર વયની કિશોરીને ગત તા. ૩૦ - ૦૧ - ૨૦૨૦ ના રોજ આરોપી ભગાડી ગયો હતો. તે કિશોરીને લઇને ડાકોર, ખંભાત વગેરે સ્થળે રોકાયો હતો. જ્યાં તેણે કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. કિશોરીએ એવું પણ જણાવ્યું હતું કે, આરોપીએ અગાઉ પણ મારી સાથે મરજી વિના શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. આરોપી રિતેશ ઉર્ફે લાલો કલ્પેશભાઇ ઉર્ફે શંભુ અંબાલાલ તડવી ( રહે. ખેતીવાડી કેમ્પસની બાજુમાં, જગડીયાપુરા, આણંદ, મૂળ રહે. વડજ ગામ, તા.ડભોઇ)ની સામેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી ગયો હતો. સ્પેશ્યલ સરકારી વકીલ રવિ શુક્લાની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લઇ સ્પેશ્યલ જજ એમ.ડી.પાંડેયે આરોપીને કસુરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા કરી છે.