૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની કેદ
આવા કિસ્સાના કારણે માતા - પિતાના મનમાં સતત ડર રહે છે, તેઓ દીકરીઓને નિર્ભયપણે ઘરની બહાર મોકલી શકતા નથી : કોર્ટ
સાવલી ૧૪ વર્ષની કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધનાર તેના કરતા ૧૦ વર્ષ મોટી ઉંમરના આરોપી સામેનો કેસ સાવલીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. અદાલતે આરોપીને કસુરવાર ઠેરવીને ૨૦ વર્ષની સજા અને ૫૦ હજારનો દંડ કર્યો છે.
ડેસર તાલુકામાં રહેતી ૧૪ વર્ષની કિશોરીને તા.૧૫ - ૦૭ - ૨૦૨૧ ના રોજ આરોપી ધર્મેન્દ્ર દિનેશભાઈ રાઠોડ (રહે. સણંસોલી,તા. કાલોલ,જિ.પંચમહાલ, હાલ રહે. વાકાનેડા ગામ, તા.ડેસર, જિ.વડોદરા ) લગ્ન કરવાની લાલચ આપીને ે ભગાડી ગયો હતો. આરોપીએ અપહરણ પહેલા પણ અવાર- નવાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગે ડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આરોપી આરોપી ધર્મેન્દ્ર રાઠોડની ધરપકડ કરી પુરાવાઓ એકત્રિત કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસ સાવલીની પોકસો કોર્ટના જજ જે.એ. ઠક્કર સમક્ષ ચાલી જતા સરકારી વકીલ સી .જી. પટેલની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લઇ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫૦ હજારના દંડની સજા કરવામાં આવી છે. આરોપી જે દંડ ભરે તે રકમ પીડિતાના પરિવારને ચૂકવવાનો હુકમ થયો છે. તેમજ વિકટીમ કોમ્પનશેસન સ્કીમ હેઠળ જિલ્લા લીગલ સવસ ઓથોરિટી ને પીડિતાના પરિવારને ૪ લાખની સહાય ચૂકવવા ભલામણ કરવામાં આવી છે. અદાલતે નોંધ્યું હતું કે, આવા કિસ્સાના કારણે માતા - પિતાના મનમાં સતત ડર રહે છે. તેઓ દીકરીઓને નિર્ભયપણે ઘરની બહાર મોકલી શકતા નથી. આવા બનાવો બાળકીઓના અભ્યાસને પણ અસર કરતા હોય છે. બંને વચ્ચે સામાન્ય રીતે પ્રેમ સંબંધો હતા. તે હકીકત માની શકાય નહીં. કારણકે, આરોપી ભોગ બનનાર કરતા ૧૦ વર્ષ મોટો છે. આરોપીએ અન્ય દીકરી સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો હોવાનું માનવાને કારણ છે.