13 વર્ષની કિશોરી સાથે શરીર સંબંધ બાંધનાર વિધર્મી યુવકને 20 વર્ષની કેદ
કિશોરી મોબાઇલ દ્વારા ઓનલાઇન અભ્યાસ કરતી હતી ત્યારે મુંબઇમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના યુવક સાથે પરિચય થયો હતો
વડોદરા : જિલ્લામાં રહેતી ૧૩ વર્ષની કિશોરીને વડોદરામાં કમાટીબાગમાં લાવીને ધોળે દિવસે તેની સાથે શરીર સંબંધ બાંધનાર મુંબઇના વિધર્મી યુવકને સાવલીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા અને ૫૩,૦૦૦ દંડ ફટકાર્યો છે. જ્યારે કિશોરીને રૃ. ૪ લાખ વળતર તરીકે ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને સૂચના આપી છે.
ઘટના ચાર વર્ષ પહેલા બની હતી. વડોદરા જિલ્લામાં રહેતી કિશોરી ( તે સમયે ૧૩ વર્ષ ૯ મહિનાની હતી) ધો.૮માં અભ્યાસ કરતી હતી. કોરોનાની એન્ટ્રી થતાં તમામ શાળાઓ બંધ થઇ હતી અને ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો એટલે પરિવારજનોએ કિશોરીને નવો મોબાઇલ લઇ આપ્યો હતો. તે દરમિયાન એક ઓનલાઇન ડેટિંગ એપ્લિકેશન દ્વારા મુંબઇમાં અંધેરી વેસ્ટની જુહુ ગલીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના દખીણ ગામના મોહંમદ તોહીદ ઉર્ફે કાસીફ મોહંમદ સમીમ રંગરેજ (ઉ.૨૨)એ આ કિશોરીનો સંપર્ક કર્યો હતો. ઓનલાઇન પરિચય બાદ બન્ને તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સાવલી ખાતે મળ્યા હતા,જેના થોડા સમય બાદ તા.૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ મોહંમદ તોહીદ સાવલી નજીક ગિરધરનગર આવ્યો હતો અને ત્યાંથી લોકલ ફેરા મારતી ગાડીમાં કિશોરી સાથે વડોદરા આવ્યો હતો.
વડોદરામાં બન્ને કમાટીબાગમાં પહોંચ્યા હતા અને બે ત્રણ કલાક આંટાફેરા માર્યા બાદ મોહંમદ તોહીદ કિશોરીને કમાટીબાગના ઝાડી ઝાંખરામાં લઇ ગયો હતો અને કિશોરીએ વિરોધ કર્યો હોવા છતા તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ કેસ સાવલી કોર્ટમાં ચાલી જતાં સ્પેશ્યલ પોક્સો જ્જ જે.એ.ઠક્કરે આરોપીને સજાનો હુકમ કર્યો છે.
તસવીર પ્રતિકાત્મક છે |
ચુદાકામાં કોર્ટે ખાસ નોંધ કરી : સોશ્યલ મીડિયા જેટલું સારું છે તેનાથી વધુ ખરાબ પણ છે
કિશોરીને ઓનલાઇન માધ્યમથી ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધનાર આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારતા ચૂકાદામાં સાવલી કોર્ટે ખાસ નોંધ કરી છે કે સોશ્યલ મીડિયા જેટલું સારું છે તેનાથી વધુ ખરાબ પણ છે.
ઇન્ટરનેટની દુનિયામાં શિકારીઓ બાળકોનો શિકાર કરવા માટે ચાંપતી નજર રાખીને બેઠા હોય છે
કોર્ટે ભોગ બનનાર કિશોરીના અભ્યાસ અંગે ચિંતા વ્યક્ત કરતા સજાના આખરી હૂકમમાં એવી પણ ખાસ નોંધ કરી કે 'આવા બનાવોથી બાળકના અભ્યાસ અસર થતી હોય છે તે હકીકત ધ્યાને લઇને જિલ્લા બાળ સુરક્ષા કેન્દ્રને એવો આદેશ કરવામાં આવે છે કે તેઓ ભોગ બનનારનો સંપર્ક કરે અને કિશોરીનો અભ્યાસ ચાલુ છે કે નહી તેની તપાસ કરે. જો અભ્યાસ છૂટી ગયો હોય તો અભ્યાસ પુનઃ ચાલુ કરાવીને તેનો રિપોર્ટ કોર્ટને કરવો.