વડોદરા જિલ્લામાં માવઠાનો પ્રાથમિક રિપોર્ટ,કપાસ-તુવેરને 20 ટકા નુકસાન
કપાસનું 82000 હેક્ટર અને તુવેરનું 18000 હેક્ટરમાં વાવેતરઃસરકારની સૂચના પછી જ સર્વે
વડોદરાઃ વડોદરા જિલ્લામાં માવઠાને કારણે કપાસ અને તુવેરના પાકને થોડું નુકસાન થયું હોવાનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો છે.જેથી હવે સર્વે કરાવવો કે કેમ તેનો નિર્ણય સરકાર લેશે.
રાજ્યભરમાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે ત્યારે વડોદરા જિલ્લો પણ તેમાંથી બાકાત રહ્યો નથી.વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસનું ૮૨ હજાર હેક્ટર અને તુવેરનું ૧૮ હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.આ પૈકી ૧૦ થી ૨૦ ટકા જેટલા પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે.
બીજીતરફ રાજ્ય સરકારે માવઠાને કારણે ખરીફ પાકને થયેલા નુકસાનનો સર્વે કરાવી વળતર આપવાનો નિર્ણય લીધો છે.વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગે માવઠાનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે.જેમાં કપાસ અને તુવેરના છોડ નમી ગયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ કેટલું નુકસાન થયું છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી.
ખેતીવાડી વિભાગના રિપોર્ટ પરથી વડોદરા જિલ્લામાં સર્વે કરાવવો કે કેમ તેનો નિર્ણય રાજ્ય સરકાર લેશે.સરકારને સૂચના મળ્યા પછી ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનીના સર્વે અને ફોર્મ ભરાવવાની પ્રક્રિયા કરવામાં આવનાર છે.
ડાંગરના પાકને નહિંવત્ નુકસાન
વડોદરા જિલ્લામાં ડાંગરનો પાક અંદાજે ૪૩ હજાર હેક્ટર જમીનમાં લેવામાં આવે છે. પરંતુ માવઠું થયું તે પહેલાં મોટાભાગના પાકની કાપણી કરી દેવામાં આવી હોવાનું ખેતીવાડી વિભાગના સૂત્રોનું કહેવું છે.જેથી ડાંગરમાં નહિંવત્ નુકસાન હોવાનું મનાઇ રહ્યું છે.