Get The App

ધંધુકા-બરવાળામાં લઠ્ઠાકાંડમાં 26 લોકોના મોતથી ખળભળાટ

બોટાદના નભોઇમાં શંકાસ્પદ લઠ્ઠો તૈયાર કરાયો હતો

બરવાળાના તાલુકાના 10 અને ધંધુકા તાલુકાના નવ લોકોના શંકાસ્પદ મરણઃ ૨૫થી વધુ લોકોને સારવાર માટે દાખલ કરાયાઃ મૃત્યુઆંક વધવાની સંભાવના

Updated: Jul 26th, 2022


Google NewsGoogle News

અમદાવાદધંધુકા-બરવાળામાં લઠ્ઠાકાંડમાં  26  લોકોના મોતથી ખળભળાટ 1 - image

અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સવારથી ઝેરી દારૂ પીવાના કારણે 26  જેટલા લોકોના મરણ થતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે  ૨૫ થી વધુ લોકોને સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બરવાળાના નભોઇમાં આવેલા દેશી દારૂના અડ્ડા પરથી દારૂ પીનારાઓને અસર થતા તબિયત લથડી હતી. કુલ મૃત્યુ પામનારાઓમાં 17 મરણ બરવાળાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અને ધંધુકાના ગ્રામ્ય વિસ્તારના નવ લોકોનો સમાવેશ થાય છે. બીજી તરફ આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મેેડીકલની ટીમને વિવિધ વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે. આ સાથે ગૃહવિભાગે તાકીદની બેઠક બોલાવીને સમગ્ર મામલે તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે.બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ, નભોઇ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ધંધુકાના આકરૂ, ઉચડી અને મોસડી  તેમજ આસપાસના  વિસ્તારમાં એકાએક રવિવારે રાતના સમયે ૨૫ થી વધુ લોકોની તબિયત લથડવા લાવી હતી અને ઉલ્ટી કરીને બેભાન થવા લાગ્યા હતા. જેથી તાત્કાલિક તેમના ધંધુકા અને બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સોમવાર બપોર સુધીમાં કુલ 26  લોકોના મરણ થયા હતા. જેમાં બોટાદના બરવાળાના રોજીદ ગામના એક અને અન્ય ેબે વ્યક્તિના મરણ થયા છે.  અમદાવાદના ધંધુકાના આકરૂ, ઉંચડી અને અણિયારી અને અન્ય ગામમાં  કુલ 17 લોકોના મરણ થયા હતા. જેમાં એક વ્યક્તિનું મરણ કાર્ડીઆક એટેકના કારણે થયુ હોવાનું તબીબી તપાસમાં ખુલ્યું હતુ. જ્યારે બરવાાળામાં અન્ય  નવ ના મરણ ઝેરી પ્રવાહી પીવાના કારણે થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.   જેમાં રોજીદના 6,ચંદરવાના ૨ અને દેવગનાના ૨ લોકોનો સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે જણાવ્યું હતું કે પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં  મૃતકો અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયેલી વ્યક્તિઓ બરવાળા તાલુકાના નભોઇમાં દેશી દારૂના અડ્ડાથી દારૂ પીને આવ્યા હતા. જેમાં તેમને દારૂ મેળવવામા ંઆવેલા કોઇ ઝેરી કેમીકલની અસર થઇ હોવાની શક્યતા છે. હાલ ધંધુકામાં બે વ્યક્તિના મરણ થયા તેમના પોસ્ટમોર્ટમ કરાવીને રિપોર્ટને આધારે મૃત્યુ સાચુ કારણ જાણી શકાશે. તો ધંધુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ લઇ જવાયા છે.  જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ દારૂમાં વપરાયેલા કેમીકલ અંગે જાણી શકાશે.

તો બીજી તરફ૨૫  જેટલા લોકોને બોટાદની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાંથી મોટાભાગના લોકોની તબિયત લથડતા વધુ સારવાર માટે ભાવનગર મોકલાયા હતા. આ સાથે  ભાવનગર રેંજ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી તેમજ અન્ય અધિકારીઓ રોજીદ ગામ ખાતે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી છે.

 

બરવાળાના નભોઇમાં દેશી દારૂના અનેક અડ્ડાઓ આવેલા છે

અમદાવાદ

બરવાળા તાલુકાના નભોઇ ગામમાં ખુબ મોટા પ્રમાણમાં દેશી દારૂ તૈયાર કરવામાં આવે છે. જે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના બુટલેગરોને મોકલવામાં આવે છે. આ દારૂ તૈયાર કરવાની અનેક ભઠ્ઠીઓ આવેલી ચે. જેથી કોણે ઝેરી દારૂ બનાવ્યો હતો તે અંગે ચોક્કસ વિગતો હજુ સુધી મળી શકી નથી. જો કે હાલ સમગ્ર વિસ્તારના બુટલેદરો ભુગર્ભમાં ઉતરી જતા પોલીસ લઠ્ઠાકાંંડની કડી મેળવવા માટે વિવિધ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.

 


Google NewsGoogle News