૧૧ દેશોમાં ૪.૪૬ લાખ કિ.મી.નો ૨૦ સભ્યોના ગૃપનો પગપાળા પ્રવાસ
એક વાહન ખરીદો તો પાંચ વૃક્ષ વાવો તેવા સંદેશા આપતા ગૃપના સભ્યો
વડોદરા તા.૧૮ સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ બચાવો, બેટી બચાવો બેટી પઢાવો, પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો લઈને ભારતના વિવિધ રાજ્યોમાંથી ૨૦ લોકોનું જૂથ પગપાળા વડોદરા પહોંચ્યું હતું. આ ટીમ વડોદરાના શાળાના વિદ્યાર્થીઓને તેમનો સંદેશ ફેલાવવા માટે જોડશે.
ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાંથી અવધ બિહારી લાલ દ્વારા શરૃ કરાયેલ, આ વોક ડેન્જરસ એડવેન્ચર્સ એન્ટાર્વેડના નેજા હેઠળ શરૃ કરવામાં આવી હતી જે પગપાળા પ્રવાસ દ્વારા વિશ્વની સૌથી લાંબી સ્પોર્ટ્સ ટૂર છે. અત્યાર સુધીમાં તેણે ૧૧ દેશોમાં ચાર લાખ ૪૬ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે. તેઓએ આ પગપાળા પ્રવાસ દરમિયાન ૧૪ કરોડ ૫૦ લાખ રોપાઓ રોપી સામાજિક સંદેશ ફેલાવ્યો. હાલમાં જિતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ અને ગોવિંદા નંદ તેમની ટીમ સાથે અવધ બિહારી લાલના અકસ્માત બાદ પ્રવાસ ચાલુ રાખ્યો છે.
આ પગપાળા પ્રવાસ ૩૦મી જુલાઈ ૧૯૮૦ ના રોજ યુપીના લખીમપુર ખીરીથી શરૃ થયો ત્યારથી લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ યાત્રા દરમિયાન કરે છે. ૨૦ સભ્યોની ટીમ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પૂર્ણ કર્યા પછી, ગુજરાતમાં પહોંચી છે. ગૃપના સભ્ય જિતેન્દ્ર પ્રતાપે જણાવ્યું હતું કે અમે લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની વિનંતી કરીએ છીએ, જ્યારે નવું વાહન ખરીદો ત્યારે પર્યાવરણ સંરક્ષણ માટે ઓછામાં ઓછા પાંચ વૃક્ષ વાવવાની જવાબદારી લેવી જોઇએ તેવો સંદેશો આપીએ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૧૮માં આ ગૃપ દ્વારા દુનિયાની સૌથી ઊંચી સપાટી માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પની પણ પગપાળા યાત્રા કરી હતી. સૌપ્રથમ અવધબિહારી લાલે યાત્રા શરૃ કરી બાદમાં તેઓની સાથે વધુ સભ્યો વર્ષ ૧૯૯૫થી જોડાયા હતાં અને હવે ૨૦ સભ્યો થઇ ગયા છે.