મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા ૨૦ કર્મચારીઓ સસ્પેન્ડ
વડોદરાઃ ગુજરાત સરકારની વીજ કંપનીઓમાં ગત વર્ષે લેવાયેલી જૂનિયર આસિસટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોને પાસ કરાવવાના કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો.
આ મામલામાં હવે મધ્ય ગુજરાત વીજ કંપનીએ પોતાની વિવિધ વીજ કચેરીઓમાં જૂનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ૨૦ જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હોવાનુ જાણવા મળ્યુ છે.આ તમામ કર્મચારીઓ વીજ કંપનીના વડોદરા સહિત અલગ અલગ સર્કલમાં ફરજ બજાવે છે.વીજ કંપનીના કર્મચારી આલમમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે ગેરરીતિ આચરીને જેમને પાસ કરાવવામાં આવ્યા હતા તેવા ઉમેદવારોમાં આ કર્મચારીઓનો પણ સમાવેશ થતો હતો.જે તે સમયે પરીક્ષા પાસ થયા બાદ તેમને મધ્ય ગુજરાત વીજ કંપનીમાં નોકરી આપી દેવામાં આવી હતી પણ કૌભાંડની તપાસ કરી રહેલી સુરત પોલીસે આપેલા નામોની યાદીના આધારે ૨૦ જેટલા જૂનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમને પાછળથી ચાર્જશીટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૦ થી ૨૦૨૧ની વચ્ચે રાજ્યની તમામ સરકારી વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકોની ૨૧૫૬ પોસ્ટ માટે આ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં દરેક ઉમેદવાર પાસેથી ૭ લાખથી ૧૦ લાખ રુપિયા લઈને તેમને પાસ કરાવવામાં આવ્યા હતા.આ મામલામાં પોલીસે સમગ્ર રાજ્યમાં તપાસનો દોર લંબાવ્યો હતો અને ૧૭ લોકોની ધરપકડ પણ કરી હતી.કૌભાંડ કરનારાઓએ ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો અને કેન્દ્ર સંચાલકો અથવા તો કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ સાથે મળીને ઉમેદવારોને ટેકનોલોજીની મદદથી ઓનલાઈન પ્રશ્નોના જવાબો લખીને પાસ કરાવ્યા હોવાનુ ગત વર્ષે પોલીસની તપાસમાં બહાર આવ્યુ હતુ.