ગોવાથી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ગોધરા લઈ જતા બે શખ્સોની કરજણ હાઇવે પરથી ધરપકડ
- 95 લાખ રૂપિયાનો દારૂ સહિત એક કરોડ રૂપિયાથી વધુ રકમનો મુદ્દામાલ જિલ્લા પોલીસે જપ્ત કર્યો
વડોદરા,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર
ભરૂચ વડોદરા નેશનલ હાઇવે પર ભરથાણા ટોલનાકા પાસે રાત્રે જિલ્લા એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી તે વખતે પોલીસના માણસોને જોઈ એક ટાટા ટેમ્પોના ચાલકે પોતાનો ટેમ્પો દૂર ઉભો રાખ્યો હતો. જેથી પોલીસને શંકા જતા ટેમ્પા નજીક જઈ અંદર બેસેલા બે શખ્સોની પૂછપરછ કરતા બંનેએ ટેમ્પાની પાછળના કન્ટેનરમાં દારૂનો જથ્થો છે તેમ જણાવ્યું હતું. બાદમાં હાઇવે પરથી ટેમ્પાને કન્ટેનર સાથે કરજણ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો. જ્યાં તપાસ કરતા કન્ટેનરમાંથી 95.56 લાખ કિંમતની દારૂની 95,966 નંગ બોટલો મળી હતી. પોલીસે દારૂનો જથ્થો બે મોબાઈલ ટાટા ટેમ્પો મળી કુલ 1.06 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટેમ્પા સાથે ઝડપાયેલા બંને શખ્સોએ પોતાનું નામ અથુંલ ગંગાધરણ પિલ્લઈ અને અનીશકુમાર ઉન્ની હીરાવા (બંને રહે કોલમ જીલ્લો કેરાલા) જાણવા મળ્યું હતું. બંનેની વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો અમને ગોવાથી આપ્યો હતો અને ગુજરાતમાં ગોધરા ખાતે લઈ જવાનો હતો. તેમ પોલીસને જણાવ્યું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.