ઇન્સ્યોરન્સ રિફંડના નામે ઠગાઈ કરનાર દિલ્હીની ગેંગના બે સાગરીતો પકડાયા

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ઇન્સ્યોરન્સ રિફંડના નામે ઠગાઈ કરનાર દિલ્હીની ગેંગના બે સાગરીતો પકડાયા 1 - image

વડોદરા,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર

ઇન્સ્યોરન્સ પોલિસીના રિફંડના નામે મહિલા સાથે થયેલી ઠગાઈના બનાવમાં સાયબર સેલે દિલ્હીની ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે.   

વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી પદ્મા નામની મહિલાએ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું બંધ કરી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરતા થોડા દિવસ પછી ઈશાની ગુપ્તા નામની યુવતીનો તેના પર ફોન આવ્યો હતો અને પોલીસી કેમ બંધ કરાવો છો તેમ કહી પૂછપરછ કરી હતી.

મહિલાએ તેના પતિ ગુજરી ગયા હોવાથી 50000નું પ્રીમિયમ ભરી શકે તેમ નથી તેમ કહી પોલિસી બંધ કરવા માટે સૂચના આપી હતી. જેથી ઈશાનીએ તેમના બોસ અમલ રાઠોડનો સંપર્ક કરવા માટે કહ્યું હતું. અમન રાઠોડએ રૂ 8,00,000 નું રિફંડ બે દિવસમાં આપવાનું કહી મહિલા સાથે વાતચીત કરી હતી.

ત્યારબાદ મહિલાને પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટ ચાર્જ, જીએસટી તેમજ એજન્ટની બાદબાકી થતા તેને કંપની તરફથી ચૂકવવાની રકમ ઉપર લાગતી જીએસટીની રકમ ચૂકવવાના નામે મહિલા પાસે કુલ બે લાખ પડાવી લીધા હતા.

આ બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર સેલે બેંક એકાઉન્ટના ડીટેલની તપાસ કરી દિલ્હીમાંથી રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તેમજ આશુતોષ મોહરાંત ઝા (જય વિહાર, બપોરોલા, દિલ્હી, વેસ્ટ) ને ઝડપી પાડ્યા હતા. બંને બેન્ક એકાઉન્ટ હોલ્ડરના ટ્રાન્જેક્શનનોની પોલીસ તપાસ કરી રહી છે.


Google NewsGoogle News